<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

લીંબડી અને મોરબી પંથકમાં રેતી ચોરીનું કારસ્‍તાન ઝડપી લેતી રેન્‍જની ટીમ : ૬ કરોડનો મુદામાલ કબ્‍જે

લીંબડીના જાખણ અને બોરીયા ગામે ૮ ડમ્‍પર, ૧ હિટાચી, રે લોડર અને મોરબીના અમરેલીમાં ૩ ડમ્‍પર અને જેસીબી સહિતના સાધનો કબ્‍જેઃ રેન્‍જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમનો સપાટો

રાજકોટ, તા., ૩૦: રાજકોટ રેન્‍જ આઇજી નિર્લિપ્ત રાયની ટીમે ગઇકાલે ઉપલેટાના ભાદર નદીના પટમાંથી ખનીજ ચોરી ઝડપી લીધા બાદ આજે લીંબડીના જાખણ અને બોરીયા ગામે તથા મોરબીના અમરેલી ગામે નદીના પટમાં દરોડા પાડી રેતી ચોરીનું જબરૂ કારસ્‍તાન પકડી પાડી ૬ કરોડથી વધુનો મુદામાલ કબ્‍જે કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ લીંબડીના જાખણ અને બોરીયા ગામે ભોગાવો રેતીનો ક્રશ કરવાનો ગેરકાયદેસર પ્‍લાન્‍ટ ચાલતો હોવાની બાતમી મળતા રેન્‍જ આઇજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ પીઆઇ અપુર્વ પટેલ, પીએસઆઇ બી.સી.મિયાત્રા, પીએસઆઇ પી.એન.મોરી તથા પીએસઆઇ સી.એમ.કાટેલીયા સહિતની ટીમે દરોડો પાડી જાખણ ગામેથી રેતી ચોરી કરતા બે ડમ્‍પર અને એક હિટાચી સહિત ૧.૧૦ કરોડનો મુદમાલ તથા બોરીયા ગામેથી રેતી ક્રશના પ્‍લાન્‍ટમાં ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતા ૬ ડમ્‍પર અને લોડર સહિત ૪.૬૦ લાખનો મુદામાલ કબ્‍જે કરી ખાણખનીજ વિભાગને જાણ કરી હતી.

તેમજ મોરબીના અમરેલી ગામે મચ્‍છુ નદીના પટમાં દરોડો પાડી ગેરકાયદેસર રેતીની હેરાફેરી કરતા ૩ ડમ્‍પર અને એક જેસીબી સહિત ૧.૧૦ કરોડનો મુદામાલ કબ્‍જે કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી.

રેન્‍જ આઇજીની ટીમના દરોડાથી સુરેન્‍દ્રનગર, મોરબી અને રાજકોટ જીલ્લાના ખનીજ ચોરોમાં ફફડાટ વ્‍યાપી ગયો છે

(2:24 PM IST)