તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
દ્વારકામાં મનરેગા કર્મચારીઓનો 'રણકાર': 6 મહિનાથી પગાર વિના ટળવળતા પરિવારોએ કર્યું બંડ, કાળી પટ્ટી બાંધી સરકાર સામે મોરચો માંડ્યો
'વેઠ પ્રથા' બંધ કરો: આર્થિક સંકટમાં સપડાયેલા કર્મચારીઓ વ્યાજના બોજા હેઠળ દબાયા, ન્યાય નહીં મળે તો ગાંધીનગર ઘેરવાની અને રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી

દ્વારકા, તા.૦૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામીણ વિકાસની કરોડરજ્જુ ગણાતા મનરેગા યોજનાના કર્મચારીઓ છેલ્લા છ મહિનાથી વેતનથી વંચિત હોવાના કારણે હવે આકરા પાણીએ છે. રાજ્યભરમાં મનરેગા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે, જેના ભાગરૂપે દ્વારકામાં કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકારની નીતિઓ સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે, વારંવારની રજૂઆતો છતાં ગાંધીનગર સ્થિત ગ્રામ વિકાસ વિભાગ દ્વારા તેમના પ્રશ્નો પ્રત્યે ઘોર ઉપેક્ષા સેવવામાં આવી રહી છે.
છ મહિના જેટલા લાંબા સમયથી પગાર ન મળતા કર્મચારીઓની આર્થિક હાલત અત્યંત દયનીય બની ગઈ છે. અનેક પરિવારો દેવાના ડુંગર નીચે દબાયા છે અને ઘર ચલાવવા માટે ઊંચા વ્યાજે રૂપિયા લેવા મજબૂર બન્યા છે. કર્મચારીઓએ આ પરિસ્થિતિને આધુનિક સમયની "વેઠ પ્રથા" સમાન ગણાવી છે. કામ કરાવ્યા પછી વેતન ન આપવું એ શોષણની પરાકાષ્ઠા હોવાનું જણાવી કર્મચારીઓએ જિલ્લા વિકાસ અધિકારી અને ડાયરેક્ટરને આવેદન પાઠવી પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.
રાજ્યવ્યાપી આંદોલનના મંડાણ
'ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયન' દ્વારા ૧ મે ૨૦૨૬થી જ આ લડત શરૂ કરી દેવામાં આવી છે. કર્મચારીઓએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં પગારની ચુકવણી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ગ્રામ વિકાસ વિભાગની કચેરીનો ઘેરાવો કરવામાં આવશે. દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે પણ આજે વિરોધનો સૂર ગુંજ્યો હતો, જ્યાં અધિકારીઓએ કર્મચારીઓને ટૂંક સમયમાં નિરાકરણ લાવવાની સાંત્વના આપી હતી.
પરિવારો આર્થિક સંકટમાં
એક તરફ સરકાર રોજગારીની મોટી વાતો કરે છે, બીજી તરફ જે કર્મચારીઓ છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાઓ પહોંચાડે છે, તેમને જ છ મહિનાથી પગાર મળ્યો નથી. આ ઘટનાને કારણે કર્મચારીઓના બાળકોના શિક્ષણ અને ઘરના ખર્ચ પર માઠી અસર પડી છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર આ ગરીબ અને મધ્યમ વર્ગના કર્મચારીઓની વ્યથા સાંભળે છે કે પછી કર્મચારીઓએ ગાંધીનગર સુધી લાંબા થવું પડશે.
(5:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
