<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

બોટાદના સાળંગપુર BAPS મંદિરમાં રથયાત્રા :મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં હજારો ભક્તો ભક્તિમાં લિન બન્યા

મહોત્સવમાં ૪૦૦થી વધુ સંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા: સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું

બોટાદ સ્થિત સુપ્રસિદ્ધ સાળંગપુર BAPS મંદિરમાં આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ખૂબ જ ભવ્યતા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવી હતી. આ મહોત્સવમાં ૪૦૦થી વધુ સંતો અને હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

રથયાત્રાનું મુખ્ય આકર્ષણ જગન્નાથપુરીની પરંપરાને અનુરૂપ તૈયાર કરવામાં આવેલો ભવ્ય અને કલાત્મક રથ હતો. સાળંગપુર મંદિરના પ્રાંગણમાં નીકળેલી આ રથયાત્રા દરમિયાન ભક્તો દ્વારા કરવામાં આવતા કીર્તન અને ‘જય સ્વામિનારાયણ’ તથા ‘જય જગન્નાથ’ના જયઘોષથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું. દેશ-વિદેશથી પધારેલા હરિભક્તોએ ભગવાનના રથના દર્શન કરીને પાવન થવાનો લ્હાવો લીધો હતો. ભક્તિભાવપૂર્વક ભગવાનને પરંપરાગત થાળ ધરાવવામાં આવ્યો હતો, જે દર્શનાર્થીઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યો હતો.

 

આ પ્રસંગે આશીર્વાદ આપતા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ભક્તોને જીવનનો ગહન સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “આપણે આપણા જીવનના રથને ભગવાન અને ગુરુના ચરણોમાં સમર્પિત કરી દઈએ, તો જ ખરા અર્થમાં જીવન સાર્થક અને સુખમય બને છે.” તેમના આશીર્વચનો સાંભળીને હરિભક્તો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવી રહ્યા હતા. સાળંગપુરની આ રથયાત્રાએ માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ ભક્તિ અને સમર્પણનો પણ સંદેશ આપ્યો છે..

(6:57 PM IST)