તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 16th April 2026
જાફરાબાદના શિયાળબેટના ૧૮ વર્ષના રવજીનું નીલગાય આડી આવતાં બાઇક સ્લીપ થતાં મોત
નજીકના ડુંગરી ગામે જતો હતો ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૬: રસ્તા પર અચાનક પશુ આવી જવાને કારણે વાહન અકસ્માતના બનાવો અવાર-નવાર બને છે. ઘણીવાર આવા બનાવમાં જે તે વાહન ચાલકનું મોત પણ નીપજે છે. આવો વધુ એક બનાવ બન્યો છે. જેમાં અમરેલી જીલ્લાના જાફરાબાદ તાબેના શિયાળબેટ-ચારબેટ વિસ્તારમાં રહેતાં યુવાનનું રોડ પર બાઇક આડે નીલગાય આવી જતાં બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થવાથી મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
જાણવા મળ્યા મુજબ ચારબેટ વિસ્તારમાં રહેતો રવજી જગુભાઇ શીયાળ (ઉ.વ.૧૮) ૧૩/૪ના રાતે અગીયારેક વાગ્યે જાફરાબાદથી નજીકના ડુંગરી ગામે બાઇક હંકારીને જતો હતો ત્યારે રાજુલાના ભગુડા નજીક અચાનક નીલગાય આડી આવી જતાં રવજીએ બેલેન્સ ગુમાવતાં બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થઇ હતી.
તેને પ્રથમ ૧૦૮ મારફત રાજુલા હોસ્પિટલમાં અને બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેનું ગત મોડી રાતે મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે રાજુલા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર રવજી બે બહેન અને ત્રણ ભાઇમાં નાનો હતો. તેના પિતા હયાત નથી. પોતે અપરિણીત હતો અને માછીમારી કરી ગુજરાન ચલાવતો હતો. તે કોઇ કામ માટે નજીકના ડુંગરી ગામે જતો હતો ત્યારે રસ્તામાં આ બનાવ બન્યો હતો. યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
(12:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
