<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th September 2026

ગિરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે શરૂ કરાયેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ સ્ટાફની અછતને કારણે બંધ

સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું હતું. હવે નવી મિકેનિઝમ માટે સરકારી વિભાગો વચ્ચે ચર્ચા

ગિરનાર પર્વત પર યાત્રિકોની સુરક્ષાને લઈને શરૂ કરાયેલી રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ બંધ કરી દેવામાં આવી છે. સિંહના હુમલાની ગંભીર ઘટના બાદ યાત્રિકોની સુરક્ષા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું. જોકે, હવે આ પ્રક્રિયા બંધ થતાં ગિરનાર પર આવતા યાત્રિકોની સુરક્ષાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.

 

11 જુલાઈ 2026 ના રોજ ગિરનારની સીડી પર ગંભીર ઘટના બની હતી. વહેલી સવારે અંદાજે 5:45 વાગ્યે હજારો લોકોની હાજરી વચ્ચે સિંહે અચાનક તરાપ મારીને એક બાળકને જંગલ તરફ ખેંચી લીધો હતો. આ ઘટનામાં 11 વર્ષીય મયુરસિંહ ચૌહાણનું મોત થયું હતું. મૃતક બાળક ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોદજ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતુ.

બાળકને સિંહ જંગલ તરફ લઈ ગયા બાદ વન વિભાગ દ્વારા શોધખોળ અને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.  ઘટનાએ ગિરનાર પર યાત્રિકોની સુરક્ષા વ્યવસ્થા અને વન્યપ્રાણીઓથી સંભવિત જોખમ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા હતા.

 

 

ગિરનાર સંરક્ષક ભાવેશ વેકરિયાના જણાવ્યા અનુસાર, હાલ સ્ટાફની અછતને કારણે રજિસ્ટ્રેશન પ્રક્રિયા બંધ છે. રજિસ્ટ્રેશનને લઈને ગિરનાર સંરક્ષકે કેટલાક આક્ષેપો પણ કર્યા છે. બીજી તરફ, અધિક કલેક્ટરે પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાલ બંધ હોવા પાછળ સ્ટાફની અછતને મુખ્ય કારણ ગણાવ્યું છે.

 

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે યાત્રિકોની સુરક્ષા માટે જરૂરી મિકેનિઝમ ગોઠવવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ અંગે વિવિધ સરકારી વિભાગો સાથે ચર્ચા કરવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું છે. હવે સવાલ એ છે કે ગિરનાર પર યાત્રિકોની સુરક્ષા માટે રજિસ્ટ્રેશન ફરી ક્યારે શરૂ થશે અને નવી વ્યવસ્થા કેવી હશે.

(8:43 PM IST)