<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

દાઉદી વ્‍હોરા સમાજના ધર્મગુરૂ આજથી ત્રણ દિવસ મોરબીમાં

દાઉદી વ્‍હોરા સમાજમાં ભારે ઉત્‍સાહઃ નાની બજાર સહિતના વિસ્‍તારોને શણગારાયા

 

 

(પ્રવિણ વ્‍યાસ દ્વારા- હુસામુદ્દીન કપાસી દ્વારા) મોરબી- જસદણ તા.૯: દાઉદી વ્‍હોરા સમાજના ત્રેપનમાં દાઈ (સર્વોચ્‍ચધર્મગુરુ) ડો. સૈયદના અબુ જાફરુસ્‍સાદિક આલિક્‍દર મુફ્‌દલ સૈફુદ્દીન (ત.ઉ.શ.) કચ્‍છના વિવિધ ગામોનો પ્રવાસ પૂર્ણ કરી સાંજે મોરબી પધરામણી કરશે તે પૂર્વે મોરબીમાં વસવાટ કરતાં વ્‍હોરા બિરાદરોના ઘેર પોતાના સબંધી બિરાદરો ઉમટી પડ્‍યાં છે અને મોરબીમાં ગુરુ શુક્રવારના રોજ તો રાજકોટ,જસદણ સહિત સૌરાષ્‍ટ્રભરના દાઉદી વ્‍હોરા સમાજના ભાઈ બહેનો અને બાળકો પોતાના પરંપરાગત વષાોમાં તેમનાં દીદાર અર્થે બહોળી સંખ્‍યામાં આવે તેવી સંભાવના મોરબીના દાઉદી વ્‍હોરા સમાજના સેવાભાવીઓએ વ્‍યક્‍ત કરી છે.

મુન્‍દ્રાની બદરી મસ્‍જિદમાં વાએઝ (ધર્મ પ્રવચન) આપી ગાંધીધામની મુલાકાત લઈ સાંજે કાર દ્વારા મોરબી પહોંચી ત્‍યાં આવેલ સમાજના મહાન ઓલિયા મૌલાઇ રાજા સાહેબને નમન કરશે બીજા દિવસે કદમબોસી, નિકાહ, પગલાં, જિયાફત અને વાએઝ જેવાં ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ પોતાના અનુયાયીઓને મળી અંતર ખબર પૂછશે મોરબીમાં ડો. સૈયદના લાંબા સમય બાદ પધરામણી કરતાં હોય ત્‍યારે સૌરાષ્‍ટ્રભરના વ્‍હોરા બિરાદરોમાં સર્વત્ર ખુશાલી છવાઈ છે મોરબીના વ્‍હોરા બિરાદરો બે  દિવસ પોતાના ધંધા રોજગારને રજા આપી વ્‍યવસ્‍થા ખડેપગે ગોઠવી છે. તેમની અંગત સિકયોરિટી અને પોલીસ તંત્ર પણ કાર્યરત થઈ ગયું છે.

મોરબી શહેરમાં વસતા દાઉદી વ્‍હોરા સમાજ માટે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર વિશેષ આધ્‍યાત્‍મિક આનંદ અને ઉત્‍સાહનો અવસર બની રહ્યો છે. સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલો દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. આગમનની ખુશી મોરબીની શેરીઓમાં પણ ઝળહળી રહી છે. ખાસ કરીને મોરબીની નાની બજાર અને ફકરી પાર્ક વિસ્‍તારમાં આવેલા દાઉદી વ્‍હોરા સમાજના વિસ્‍તારોમાં શેરી-ગલીઓ, મકાનો અને દુકાનોને આકર્ષક રીતે સજાવવામાં આવી રહ્યા છે. રંગબેરંગી ડેકોરેશન, રોશની અને સુંદર શણગારથી સમગ્ર વિસ્‍તાર જાણે ઉત્‍સવના રંગે રંગાયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.

સાંજના સમયે રોશનીથી ઝળહળતા વિસ્‍તારોમાં આસ્‍થા અને આનંદનો અદભુત સંગમ જોવા મળે છે. મકાનો અને દુકાનો પર કરેલા શણગાર થકી સમાજનો પોતાના ધર્મગુરુ પ્રત્‍યેની અપાર શ્રદ્ધા અને ખુશીની લાગણી વ્‍યક્‍ત કરી રહ્યા છે.(

(10:44 AM IST)