<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

કોડીનાર પંથકનાં જળાશયો બન્‍યા વિદેશી યાયાવર પક્ષીઓનું સ્‍વર્ગ

સોડવ અને બરડા બંધારા સહિત કોડીનારના દરિયાકાંઠા અને વેટલેન્‍ડ વિસ્‍તારોમાં પક્ષીઓનો કલરવ - પેલિકન, ફ્‌લેમિંગો, કુંજ સહિત ૪૦ જેટલી પ્રજાતિઓએ જમાવ્‍યો ડેરો, પક્ષી અભયારણ્‍ય વિકસાવવાની માંગ

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા.૧૯: દર વર્ષની જેમ આ વર્ષે પણ સાઇબેરિયા, મધ્‍ય યુરોપ, મંગોલિયા સહિતના ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને યાયાવર પક્ષીઓ કોડીનાર પંથકમાં આવી પહોંચ્‍યાં છે. આ પક્ષીઓ અહીં અનુકૂળ વાતાવરણમાં અંદાજે ચાર મહિના સુધી રોકાણ કરી શિયાળો વિતાવે છે. સોડવ અને બરડા બંધારા ખાતે વહેલી સવારથી જ પક્ષીઓના કલરવ અને પાણીમાં વિહરતાં પક્ષીઓનાં ટોળાં મનમોહક દૃશ્‍યો સર્જી રહ્યાં છે.

સ્‍થાનિક પક્ષીપ્રેમીઓના જણાવ્‍યા અનુસાર સામાન્‍ય રીતે દર વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં આશરે ૬૫ જેટલી પ્રજાતિનાં યાયાવર પક્ષીઓનું આગમન થાય છે. જોકે, ચાલુ વર્ષે અત્‍યાર સુધીમાં અંદાજે ૩૫થી ૪૦ જેટલી પ્રજાતિનાં પક્ષીઓ જોવા મળી રહ્યાં છે. આ વર્ષે સારો વરસાદ થવાથી જળાશયો અને વેટલેન્‍ડ વિસ્‍તારોમાં પાણીની ઉપલબ્‍ધતા વધી છે. ખાસ કરીને છીછરા પાણીવાળા વિસ્‍તારો પક્ષીઓ માટે અનુકૂળ રહેઠાણ અને ખોરાકની વ્‍યવસ્‍થા પૂરી પાડતા હોવાથી શિયાળાની શરૂઆત સાથે જ તેમનું આગમન શરૂ થઈ ગયું છે. આગામી દિવસોમાં હજુ વધુ પ્રજાતિઓ અને મોટી સંખ્‍યામાં પક્ષીઓ જોવા મળે તેવી શકયતા પક્ષીપ્રેમીઓ વ્‍યક્‍ત કરી રહ્યા છે.

કોડીનાર પંથકમાં આવેલા જળાશયોમાં પેલિકન, ફ્‌લેમિંગો, કુંજ, કોમન ક્રેન અને સોવલર સહિતની વિવિધ પ્રજાતિઓ વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બની છે. ખાસ કરીને કુંજ પક્ષીઓ ગુજરાતમાં મગફળીના પાકની લણણીના સમયગાળા દરમિયાન અહીં પહોંચે છે. જ્‍યારે પેલિકન અને ફ્‌લેમિંગો છીછરા તળાવો તથા દરિયાકાંઠાના વિસ્‍તારોમાં વસવાટ કરી નાની માછલીઓનો શિકાર કરતા જોવા મળે છે. આ પક્ષીઓનાં રંગબેરંગી ટોળાં અને તેમની આગવી જીવનશૈલી કુદરતપ્રેમીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બની રહ્યાં છે.

મહત્ત્વની વાત એ છે કે કોડીનાર તાલુકાના સોડવ અને બરડા બંધારા પૂરતા મર્યાદિત નહીં, પરંતુ તાલુકાના વિવિધ તળાવો, જળાશયો અને દરિયાકાંઠાના વિસ્‍તારો પણ યાયાવર પક્ષીઓ માટે અનુકૂળ નિવાસસ્‍થાન બની રહ્યા છે. કુદરતે કોડીનાર પંથકને પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ માટે અનોખી ભેટ આપી છે. યોગ્‍ય સંરક્ષણ અને સુવિધાઓના અભાવે આ કુદરતી સંપદાનો પ્રવાસન ક્ષેત્રે પૂરતો ઉપયોગ થઈ શકયો નથી.

સ્‍થાનિક પક્ષીપ્રેમીઓનું કહેવું છે કે ગીર સોમનાથ જિલ્લો સિંહદર્શન માટે વિશ્વભરમાં ઓળખ ધરાવે છે. ત્‍યારે કોડીનાર તાલુકાના સોડવ, બરડા સહિતના પક્ષીઓના મુખ્‍ય વસવાટ વિસ્‍તારોને પક્ષી સંરક્ષણ અને પ્રવાસન સ્‍થળ તરીકે વિકસાવવામાં આવે તો ગીર સોમનાથના પ્રવાસન ક્ષેત્રને નવી ઓળખ મળી શકે તેમ છે. આ વિસ્‍તારોમાં પક્ષી અભયારણ્‍ય અથવા બર્ડ વોચિંગ ઝોન વિકસાવી, પક્ષીઓના કુદરતી રહેઠાણનું સંરક્ષણ કરવામાં આવે તો દેશ-વિદેશના પક્ષીપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે કોડીનાર નવું આકર્ષણ બની શકે છે.

(10:37 AM IST)