News of Sunday, 19th April 2026
હળવદના રાયસંગપુરમાં અન્યનું બાઈક પૂછ્યા વિના દોડાવવું જીવલેણ સાબિત થયું: પૂરપાટ ઝડપે બાઈક સ્લીપ થતા ચાલકનું કમકમાટીભર્યું મોત
માલિકની મંજૂરી લીધા વગર ફૂલસ્પીડે મોટરસાઈકલ હંકારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, ગંભીર ઈજાઓને કારણે ચાલકે દમ તોડ્યો જ્યારે પાછળ બેસેલા કિશોરને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો, પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી

હળવદ:હળવદ તાલુકાના રાયસંગપુર ગામની સીમમાં એક ચોંકાવનારી અને કરૂણ દુર્ઘટના સામે આવી છે. મયુરનગર ગામના થોભણભાઈ શીરોયાના બાઈકને તેમની જાણ બહાર લઈને નીકળેલા બલદેવ મનુભાઈ ડાભી નામના શખ્સને પોતાની સ્પીડ પરનો કાબૂ ગુમાવવો ભારે પડ્યો હતો. રાયસંગપુરની સીમમાં બાઈક અચાનક સ્લીપ થઈ જતાં બલદેવ ડાભી રસ્તા પર પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
દુર્ઘટના સમયે બાઈક પર પાછળ બેસેલા ફરિયાદીના પુત્ર હાર્દિકને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. પૂરપાટ ઝડપે જઈ રહેલા બાઈકની સ્લીપ એટલી ભયાનક હતી કે હાર્દિકને પેટ, ખભા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બલદેવ ડાભીએ બાઈક માલિકને પૂછ્યા વિના જ વાહન ચલાવવા લીધું હતું અને બેદરકારીપૂર્વક ફૂલસ્પીડે બાઈક હંકારતા આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
આ મામલે મૃતક બલદેવ ડાભી વિરુદ્ધ થોભણભાઈ શીરોયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને ઘટનાના સંજોગોની તપાસ શરૂ કરી છે. મોટરસાઈકલની ઝડપ મર્યાદા કરતા વધુ હોવાને કારણે ચાલકે સંતુલન ગુમાવ્યું હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. અન્યનું વાહન પૂછ્યા વિના અને અતિશય ઝડપે ચલાવવાની આ ભૂલે એક હસતા-રમતા પરિવારમાં માતમ લાવી દીધો છે.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
