<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સ્‍વ-ગણતરી અભિયાનમાં જોડાયા રિવાબા

 

જામનગર તા ૧૯: વસ્‍તીગણતરી-૨૦૨૭ અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘સ્‍વ-ગણતરી'  અભિયાનને જનભાગીદારી આધારિત સફળ બનાવવા માટે શિક્ષણ રાજ્‍ય મંત્રી રિવાબા જાડેજા એ ગાંધીનગર ખાતેથી ઓનલાઈન પોર્ટલ મારફતે પોતાના પરિવારની વિગતો ભરી અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો.

ભારત સરકાર દ્વારા નાગરિકોને ઘરે બેઠા સરળતાથી પોતાની અને પરિવારની વિગતો ઓનલાઈન નોંધાવી શકાય તે માટે આ વિશેષ ડિજિટલ સુવિધા ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. આ અભિયાનનો મુખ્‍ય હેતુ દેશની સાચી અને સચોટ વસ્‍તીગણતરીના આધારે વિકાસલક્ષી યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકાય તેવો છે.

આ પ્રસંગે રિવાબા જાડેજા એ જણાવ્‍યું હતું કે દેશના સર્વાંગી વિકાસમાં દરેક નાગરિકની ભાગીદારી મહત્‍વપૂર્ણ છે અને ‘‘સ્‍વ-ગણતરી'' અભિયાન એ ટેકનોલોજી દ્વારા લોકો સુધી પહોંચતી પારદર્શક અને સરળ પ્રક્રિયા છે. તેમણે રાજ્‍યના તમામ નાગરિકોને આગામી તા. ૩૧ મે સુધી યોજાનારી આ અભિયાનમાં જોડાવા, ઘરે બેઠા ઓનલાઈન વિગતો ભરવા તથા પરિવાર, મિત્રો અને આસપાસના લોકોને પણ આ અભિયાન સાથે જોડાવવા અનુરોધ કર્યો હતો.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, સચોટ વસ્‍તીગણતરી દેશના ભવિષ્‍યના આયોજન, શિક્ષણ, આરોગ્‍ય, રોજગાર અને આધારભૂત સુવિધાઓના વિકાસ માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ સાબિત થાય છે. તેથી દરેક નાગરિકે જવાબદારીપૂર્વક આ પ્રક્રિયામાં સહભાગી બની ‘‘સશક્‍ત ભારત''ના નિર્માણમાં પોતાનું યોગદાન આપવું જોઈએ.

(1:31 PM IST)