<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં PM આવાસ યોજનાના ફ્લેટની છત મોડી રાત્રે ધરાશાયી થતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 સભ્યો ગંભીર રીતે ઘાયલ થતા સર ટી હોસ્પિટલમાં દાખલ

હમીરજી પાર્કના આવાસોમાં હલકી ગુણવત્તાના બાંધકામનો સ્થાનિકોનો આક્ષેપ, અગાઉ તિરાડો અને પ્લાસ્ટર ખરવાની ફરિયાદો છતાં તંત્રની બેદરકારી સામે ઉઠ્યા સવાલો, મ્યુનિસિપલ કમિશનરે આપ્યા તાત્કાલિક તપાસના આદેશ

ભાવનગર તા.૨૫ : શહેરના સુભાષનગર વિસ્તારમાં આવેલ હમીરજી પાર્ક સ્થિત PM આવાસ યોજનાના એક ફ્લેટની છત અચાનક ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હોવાની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને આવાસ યોજનાના મકાનોની બાંધકામ ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાએ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે બનાવાયેલા સરકારી આવાસોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે.

 

મળતી પ્રાથમિક માહિતી મુજબ સુભાષનગર હમીરજી પાર્કના બ્લોક નંબરમાં રહેતા એક પરિવાર પર મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ અચાનક છતનો મોટો ભાગ તૂટી પડ્યો હતો. તે સમયે પરિવારના સભ્યો ઊંઘમાં હતા. દુર્ઘટનામાં ઘરના મોભી, તેમના પત્ની અને એક બાળક સહિત ત્રણ વ્યક્તિ કાટમાળ નીચે દબાઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. છત પડવાનો ભારે અવાજ સાંભળી આસપાસના રહીશો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ કાટમાળ હટાવી ઘાયલોને બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શહેરની સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના તબીબોના જણાવ્યા મુજબ ત્રણેયની હાલત ગંભીર છે અને તેમને સઘન સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. બે વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે.

 

ઘટનાની જાણ થતાં જ વોર્ડના કોર્પોરેટર, મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ, સિટી ઈજનેર અને નિલમબાગ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થાનિક રહીશોએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા આક્ષેપ કર્યો હતો કે આવાસ યોજનાના મકાનોના બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાની સામગ્રી વપરાઈ હોવાથી આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. રહીશોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ વિસ્તારના અનેક મકાનોમાં દિવાલોમાં મોટી તિરાડો પડવા, છતમાંથી પાણી ટપકવા અને પ્લાસ્ટર ખરી પડવાની અનેક ફરિયાદો મનપા કચેરીએ લેખિતમાં કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા માત્ર કામચલાઉ સમારકામ કરાવી સંતોષ માની લેવામાં આવ્યો હતો અને કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી.

 

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ મ્યુનિસિપલ તંત્ર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ખુલાસો થયો હતો કે સુભાષનગર હમીરજી પાર્ક ખાતે PM આવાસ યોજનાના આશરે 120 મકાન ગેરકાયદે રીતે ભાડે આપવામાં આવ્યા હતા. જે બાદ તંત્રએ 46 સરકારી આવાસોને સીલ કરવાની કાર્યવાહી પણ કરી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના મકાન વિહોણા લોકો માટે બનેલા આ આવાસોની હાલત દિવસેને દિવસે કથળી રહી હોવાથી લાભાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવાસ યોજનાના લાભાર્થીઓનું કહેવું છે કે મકાન ફાળવણી સમયે સારી ગુણવત્તાના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ થોડા જ વર્ષોમાં મકાનો જર્જરિત હાલતમાં પહોંચી ગયા છે.

 

હાલ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી સિટી ઈજનેર સહિતની ટેકનિકલ ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી નુકસાનનો તાગ મેળવવાની સાથે બાંધકામની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તૂટી પડેલી છતના નમૂના લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર હમીરજી પાર્કના તમામ બ્લોકનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. જવાબદાર કોન્ટ્રાક્ટર અને બાંધકામ એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સ્થાનિકોએ આવેદનપત્ર આપ્યું છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં PM આવાસ યોજના હેઠળ બનેલા મકાનોમાં રહેતા હજારો પરિવારોની સલામતી સામે મોટો પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠાવ્યા છે.

(3:43 PM IST)