તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th July 2026
અમરેલી જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ :ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા 40 ગામડાઓને એલર્ટ કરાયા : જુઓ વિડિયો
અમરેલી જિલ્લાના મુખ્ય હાઇવે પર મોટા ભુવા પડવાથી વાહન વ્યવહાર ખોરવાયો: રાજુલા અને જાફરાબાદ પંથકમાં નદીઓના પૂરને કારણે જનજીવન ઠપ્પ

અમરેલી જિલ્લાની જીવાદોરી સમાન ખોડિયાર ડેમમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પાણીની ભારે આવક થઈ છે. ડેમ 90 ટકા ભરાઈ જતાં જળસ્તર જાળવી રાખવા માટે ડેમના 9 દરવાજા 1.52 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી હાલ 31,950 ક્યુસેક પાણી શેત્રુંજી નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે. આ જાવક સામે ડેમમાં પણ 31,950 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને પગલે ડેમનું સંતુલન જાળવવું તંત્ર માટે પડકારજનક બન્યું છે. ડેમમાંથી પાણી છોડાતા અમરેલી અને ભાવનગર જિલ્લાના નીચાણવાળા 40થી વધુ ગામડાઓને વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
વરસાદના પાણીના પ્રવાહને કારણે અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે પર સીમરણ નજીક જમીનનું ધોવાણ થતાં મોટો ભુવો પડી ગયો છે. રાત-દિવસ ધમધમતા આ મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. અનેક વાહનચાલકો રસ્તા વચ્ચે ફસાઈ ગયા હતા, જેમને બહાર કાઢવાની કામગીરી અત્યંત મુશ્કેલ બની છે. રોડ ધોવાઈ જતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક પણ કપાઈ ગયો છે.
રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નાગેશ્રી ગામ નજીકથી પસાર થતી રાયડી નદી ગાંડીતૂર બની છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. પીપાવાવ ધામ, જોલાપુર અને કડીયાળી જેવા ગામડાઓની ચારે બાજુ પાણી ફરી વળતા ગ્રામજનો ભયના ઓથાર હેઠળ છે. ભારે પાણીના પ્રવાહને લીધે તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા હોવાથી NDRF અને સ્થાનિક ફાયરની ટીમોને રેસ્ક્યુ કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.
વડ ગામ પાસે ઘાતરવડી નદીના પૂરથી સ્થિતિ વધુ ગંભીર બની છે. નદીના પાળાનું ધોવાણ થતાં તે ગમે ત્યારે તૂટી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. જો પાળો તૂટે તો નજીકના અનેક ગામડાઓમાં પાણી ફરી વળશે અને વ્યાપક નુકસાન થશે. આ બાબતે એલર્ટ મળતા જ તંત્રની ટીમો ત્વરિત વડ ગામ પહોંચી છે અને સાવચેતીના ભાગરૂપે લોકોને સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે.
સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નદીના પટમાં ન જવા, કોઝવે કે પુલ ઉપરથી પાણી વહેતું હોય તો ત્યાંથી પસાર ન થવા અને અફવાઓથી દૂર રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે. અત્યારની પરિસ્થિતિમાં જીવનું જોખમ ટાળવા માટે તંત્રની માર્ગદર્શિકાનું પાલન કરવું અનિવાર્ય છે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
