તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
મોરબીમાં સ્વચ્છતાના નામે માસિક રૂ.૧ કરોડનું આંધણ, છતાં ઠેર-ઠેર ગંદકીના ગંજ!
સ્વચ્છતા અભિયાનના નામે માત્ર ફોટોસેશન? ૪૯૦ સફાઈ કર્મચારીઓ અને ૭૭ વાહનોની ફોજ છતાં મોરબીમાં ગંદકીનું સામ્રાજ્ય

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૪: વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સિરામિક ક્લસ્ટર તરીકે ઓળખાતા મોરબી શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ ચિંતાજનક બની છે. એક તરફ મોરબી મહાનગરપાલિકા સ્વચ્છતા અભિયાનના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરી શહેરને સ્વચ્છ બનાવવાના દાવા કરી રહી છે, તો બીજી ત૨ફ શહેરના અનેક વિસ્તારોમાં કચરાના ઢગલા અને ગંદકી આ દાવાઓની પોલ ખોલી રહ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે મહાનગરપાલિકા દર મહિને સફાઈ કામગીરી પાછળ અંદાજે રૂ.૧ કરોડ જેટલી માતબર રકમ ખર્ચે છે. છતાં શહેરના અનેક વિસ્તારોમાં સફાઈની સ્થિતિમાં અપેક્ષિત સુધારો જોવા મળતો નથી. ત્યારે સવાલ એ ઊભો થયો છે કે કરોડો રૂપિયાનો ખર્ચ આખરે જાય છે કયાં?
મોરબીમાં સ્વચ્છતા અભિયાનની જાહેરાતો અને સત્તાધીશોના ફોટોસેશન વચ્ચે વાસ્તવિક સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી છે. શહેરના મુખ્ય માર્ગો સિવાયના અનેક વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયેલા રહે છે. ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગલાને કારણે સ્થાનિકો પરેશાન છે. દુર્ગંધ અને અસ્વચ્છ વાતાવરણને કારણે રોગચાળો ફેલાવાની દહેશત પણ ઊભી થઈ છે. સફાઈ માટે પૂરતું બજેટ, કર્મચારીઓ અને વાહનો ઉપલબ્ધ હોવા છતાં કામગીરીનું યોગ્ય મોનિટરિંગ અને આયોજન ન થતું હોવાની ફરિયાદો ઊઠી રહી છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે દર મહિને રૂ. ૧ કરોડ જેટલો ખર્ચ, ૪૯૦ સફાઈ કર્મચારીઓ અને વાહનોની ફોજ હોવા છતાં મોરબી શહેરને કાયમી સ્વચ્છ બનાવવામાં તંત્ર કયારે સફળ થશે? સિરામિક ઉદ્યોગના કારણે વિશ્વભરમાં ઓળખ ધરાવતું મોરબી સ્વચ્છતામાં પણ આગવી ઓળખ ઊભી કરે તે માટે માત્ર જાહેરાતો અને ફોટોસેશન નહીં, પરંતુ જમીની સ્તરે નક્કર કામગીરી થાય તે સમયની માંગ છે.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
