News of Tuesday, 24th November 2026
મોરબીની સ્કૂલના ટ્રસ્ટી સાથે સ્કૂલ બસની લે-વેચના બહાને રૂ. 4 લાખની છેતરપિંડી, અમદાવાદના શખ્સ સામે ફરિયાદ.
જૂની બસના બદલામાં ચાલુ હાલતની બસ આપવાનો સોદો કરી ઓનલાઈન પેમેન્ટ મેળવી લીધું, પરત આપેલો ચેક પણ બાઉન્સ થયો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલી તપોવન સ્કૂલના ટ્રસ્ટી સાથે સ્કૂલ બસની લે-વેચના બહાને રૂ. 4,00,000 ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે અમદાવાદના એક શખ્સ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલની સામે કલ્પ બિંદુ-604 માં રહેતા ભાવેશભાઈ દેવજીભાઈ ભાલોડીયા (ઉ.વ. 42) કન્યા છાત્રાલય રોડ પર આવેલી તપોવન સ્કૂલ (સદવિચાર એજ્યુકેશન ટ્રસ્ટ) માં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે. શાળા માટે બસની જરૂરિયાત હોવાથી સ્કૂલમાં કામ ક૨તા હિતેષભાઈ કુંભારવાડીયાએ જણાવ્યું હતું કે, અગાઉ 2 વર્ષ પહેલાં ટ્રસ્ટીઓએ અમદાવાદના સફીમહમદ શેખ પાસેથી સ્કૂલ બસ ખરીદી હતી.
જેના આધારે ભાવેશભાઈએ સફીમહમદ શેખ સાથે ફોન પર સંપર્ક કરી જૂની કંડમ સ્કૂલ બસ આપીને ચાલુ હાલતની બસ લેવા અંગે વાતચીત કરી હતી. વોટ્સએપ પર બસના ફોટાની આપ-લે કર્યા બાદ શાળાની જૂની બસની કિંમત રૂ. 5,00,000 અને આરોપીની બસની કિંમત રૂ. 9,00,000 નક્કી કરી સોદો પાકો કરવામાં આવ્યો હતો. તફાવતની રકમ પેટે ઉપરના રૂ. 4,00,000 એડવાન્સ આપવાનું કહેતા ભાવેશભાઈએ ગત તા. 14/05/2026 ના રોજ ટ્રસ્ટના બેંકના ખાતામાંથી આરોપીના બેંકના ખાતામાં ઓનલાઈન RTGS મારફતે રૂ. 4,00,000 ટ્રાન્સફર કર્યા હતા.
સોદા મુજબ 7 દિવસમાં નવી બસ સ્કૂલે પહોંચતી કરવાની અને જૂની બસ લઈ જવાની વાત નક્કી થઈ હતી. જોકે, આરોપી સફીમહમદ શેખે બસ પહોંચતી કરી ન હતી અને ફોન પર અવારનવાર વાયદા આપ્યા હતા. આખરે ટ્રસ્ટીએ પૈસા પરત માંગતા આરોપીએ કોટક મહિન્દ્રા બેંકનો રૂ. 4 લાખનો ચેક મોકલ્યો હતો, જે બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયો હતો.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ભાવેશભાઈએ ગત તા. 30/10/2026 ના રોજ સાયબર હેલ્પલાઈન નં. 1930 (NCRP પોર્ટલ) પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી. જે અરજીના આધારે આજ રોજ તા. 24/11/2026 ના રોજ મોરબી સિટી એ ડિવિઝન પોલીસે અમદાવાદના આરોપી સફીમહમદ શેખ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 318(4) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ પી.એસ.આઈ. નિરવ રામજીભાઈ વાણિયા ચલાવી રહ્યા છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
