તા. ૧૯ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૮ શનિવાર
News of Monday, 16th November 2026
દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને દાનવીરશ્રેષ્ઠી ચંદ્રકાંતભાઈ ગોગરીનું દુઃખદ નિધન : કચ્છી સમાજે સેવાભાવી વ્યક્તિત્વ ગુમાવ્યું
કેમીકલ ક્ષેત્રે અગ્રગણ્ય આરતી ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અને જીવનભર માનવસેવા, જીવદયા અને સમાજકલ્યાણનાં કાર્યોને સમર્પિત રહેલા ચંદ્રકાંતભાઈને શ્રી ભુજ ક.વી.ઓ. જૈન મહાજન અને શ્રી સર્વ સેવા સંઘ કચ્છ દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા .૧૬ : કચ્છના માંડવી તાલુકાના નાના ભાડિયા ગામના વતની અને કેમીકલ ક્ષેત્રે દેશની અગ્રગણ્ય આરતી ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ઉદ્યોગપતિ ચંદ્રકાંતભાઈ ગોગરીનું દુઃખદ નિધન થયું છે. વ્યવસાય અર્થે મુંબઈમાં સ્થાયી થયેલા દાનવીર શ્રેષ્ઠી, માનવસેવાના મહાન ઉપાસક તથા જીવદયાપ્રેમી શ્રી ચંદ્રકાંતભાઈ વલ્લભજી ગોગરીના દુઃખદ નિધનથી સમગ્ર કચ્છ જિલ્લા સહિત દેશ વિદેશના કચ્છી સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં શ્રી ક.વી.ઓ. જૈન મહાજન, ભુજ તથા શ્રી સર્વ સેવા સંઘ, કચ્છના પ્રમુખશ્રી જીગર તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરીના નિધનથી જાહેર જીવન અને સમાજસેવાના ક્ષેત્રે ક્યારેય ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે. તેમનું સમગ્ર જીવન માનવસેવા, જીવદયા, સાધુ-સાધ્વીજી ભગવંતોની વૈયાવચ્ચ, પરોપકાર અને સમાજકલ્યાણને સમર્પિત રહ્યું હતું. તેમણે કચ્છ ઉપરાંત ગુજરાત, ઉત્તરપ્રદેશ બિહાર, મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના અંતરિયાળ ગામોમાં સેવાકાર્યો માટે આપેલો અમૂલ્ય ફાળો માત્ર આર્થિક સહયોગ પૂરતો સીમિત નહોતો, પરંતુ સ્થાનિક લોકો માટે આત્મનિર્ભર બનાવવાની સાથે માનવતા પ્રત્યેની તેમની અતૂટ નિષ્ઠા, કરુણાભાવ અને સેવાભાવનાનું જીવંત પ્રતિબિંબ હતો. તેમની નિઃસ્વાર્થ સેવા, જીવમાત્ર પ્રત્યેનો પ્રેમ, દાનશીલતા અને પરોપકારની ભાવના અનેક લોકો માટે હંમેશાં પ્રેરણારૂપ બની રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આવા મહાન સેવાભાવી વ્યક્તિઓ માત્ર દેહથી વિદાય લે છે, પરંતુ તેમનાં સત્કર્મો, સંસ્કારો અને સેવાકાર્યો દ્વારા તેઓ લોકોનાં હૃદયમાં સદાય જીવંત રહે છે. શ્રી ચંદ્રકાંતભાઈ ગોગરીના દુઃખદ નિધનથી કચ્છી સમાજે એક મહાન દાનવીર, માનવતાના સાચા ઉપાસક અને સેવાભાવી વ્યક્તિત્વને ગુમાવ્યું છે. તેમની ખોટ ક્યારેય પૂરી શકાય તેમ નથી. પરમાત્મા સદગતના પવિત્ર આત્માને શાશ્વત શાંતિ અર્પે અને તેમના પરિવારજનો, સ્નેહીજનો તથા સમગ્ર સમાજને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
