તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
ટંકારામાં કેસરિયો લહેરાયોઃ સ્પષ્ટ બહુમતી સાથે ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા
તાલુકા પંચાયતની ૧૬ બેઠકોમાંથી ૧૧ પર ભાજપનો ભવ્ય વિજય, કોંગ્રેસને ફાળે ૫ બેઠકો મળતા કાર્યકરોમાં ઉત્સાહ

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૨૯: ટંકારા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીના પરિણામો જાહેર થતા જ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. ટંકારા તાલુકા પંચાયતની કુલ ૧૬ બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા છે.
ચૂંટણીના પરિણામો મુજબ ૧૬ બેઠકોમાંથી ભાજપના ફાળે ૧૧ બેઠકો આવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર ૫ બેઠકો પર સમેટાઈ ગઈ છે. આ વિજય સાથે ભાજપે ટંકારા તાલુકા પંચાયત પર પોતાનો મજબૂત કબજો જમાવ્યો છે. ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જીતના ગુલાલ સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
ટંકારા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો. જોકે મતદારોએ ભાજપના વિકાસના કામો અને સંગઠન શક્તિ પર ભરોસો મૂકીને ૧૧ બેઠકો પર કમળ ખીલવ્યું છે. બીજી તરફ કોંગ્રેસે પાંચ બેઠકો મેળવીને વિરોધ પક્ષ તરીકે પોતાની હાજરી નોંધાવી છે.
હવે જ્યારે સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ સત્તામાં આવી છે, ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. આ જીતને પગલે સ્થાનિક નેતાઓએ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે અને તાલુકાના વિકાસના કામોને વેગ આપવાની ખાતરી આપી છે
(12:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
