તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
ગોંડલ અક્ષર મંદિરના સંતોએ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કર્યું મતદાન : લોકશાહીના પર્વમાં નોંધાવી સહભાગિતા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સંતોએ નિભાવી નાગરિક ફરજ, સમાજને મતદાન માટે આપ્યો પ્રેરણાદાયી સંદેશ; કહ્યું- રાષ્ટ્રધર્મ સર્વોપરી

ગોંડલ તા.૨૬ : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી-2026 અંતર્ગત ગોંડલ અક્ષર મંદિરના સંતોએ રવિવારે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેના મતદાન મથકે મતદાન કરીને લોકશાહીના પર્વમાં સહભાગી થઈ નાગરિક ફરજ નિભાવી હતી.
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ મતદાન મથકે પહોંચીને ઉત્સાહભેર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સંતોએ જણાવ્યું કે, ધર્મ અને રાષ્ટ્રધર્મ બંને એકબીજાના પૂરક છે. મજબૂત રાષ્ટ્ર અને સશક્ત લોકશાહી માટે દરેક નાગરિકે મતદાન અવશ્ય કરવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગામ-શહેરના વિકાસનો પાયો છે. સારા, પ્રામાણિક અને સેવાભાવી પ્રતિનિધિઓની પસંદગી માટે મતદાન જરૂરી છે. સંતોના મતદાનથી સમાજમાં હકારાત્મક સંદેશ ગયો છે અને અન્ય મતદારોને પણ પ્રેરણા મળી છે.
ગોંડલમાં સ્વામિનારાયણ ગુરુકુળ બુથ સહિત તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સંતોના સહભાગથી મતદાનના પર્વનો ઉત્સાહ બેવડાયો હતો.(તસ્વીર ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
