<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

સજનપર ઓમ વિલા જુગારધામ રેડ કેસ: ટંકારા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના બે કર્મચારીઓની પશ્ચિમ કચ્છ-ભુજ ખાતે બદલી

હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલા સામે આકરા પગલાં : ‘ઓમ વિલા’મા કચ્છ રેન્જ પોલીસ દ્વારા હાઈ-પ્રોફાઈલ જુગારધામના દરોડા બાદ પોલીસ વિભાગમાં મોટી આંતરિક કાર્યવાહી

​(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૫ : ટંકારા તાલુકાના સજનપર નજીક આવેલી ‘ઓમ વિલા’માં તાજેતરમાં કચ્છ રેન્જ પોલીસ દ્વારા પાડવામાં આવેલા હાઈ-પ્રોફાઈલ જુગારધામના દરોડા બાદ પોલીસ વિભાગમાં મોટી આંતરિક કાર્યવાહી સામે આવી છે. આ કેસની ગંભીરતાને ધ્યાને રાખીને ટંકારા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના બે કર્મચારીઓની તાત્કાલિક અસરથી પશ્ચિમ કચ્છ, ભુજ ખાતે બદલી કરી દેવામાં આવી છે.

​મળતી વિગતો અનુસાર, ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા D-સ્ટાફના હેડ કોન્સ્ટેબલ જસપાલસિંહ જાડેજા અને પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલા સામે આકરા પગલાં લેતાં તેઓને જિલ્લા ફેર કરીને ભુજ ખાતે મૂકી દેવાયા છે.

​સજનપરની ઓમ વિલામાં રેન્જ પોલીસની ટીમે પાડેલા દરોડા બાદ પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો. અગાઉ પણ આ જ વિલામાં ચાલી રહેલી અસામાજિક પ્રવૃત્તિઓ અને જુગારધામના મુદ્દે થાણા અધિકારીની બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ભૂતકાળમાં એક ચકચારી હોટલ કેસમાં PI અને D-સ્ટાફના જમાદારને સસ્પેન્ડ કરી જેલહવાલે કરવા સુધીના આકરા પગલાં લેવાઈ ચૂક્યા છે.

​ટંકારા પોલીસ સ્ટેશન છેલ્લા ઘણા સમયથી જુગાર અને અન્ય પ્રવૃત્તિઓને લઈને વિવાદોના ઘેરાવામાં રહ્યું છે. ત્યારે D-સ્ટાફના જમાદાર અને કોન્સ્ટેબલની ભુજ ખાતે કરાયેલી આ તાત્કાલિક બદલીને પોલીસ વિભાગ દ્વારા લેવાયેલા એક કડક અને મહત્વપૂર્ણ નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહીને પગલે સ્થાનિક પોલીસ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

(9:31 AM IST)