<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતી અને ઓર્કિડના મિક્સ ફૂલોનો ભવ્ય શણગાર : સુખડીનો અન્નકૂટ

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી કોઠારી પ.પૂ.વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દરબારમાં શ્રદ્ધા-ભક્તિનો સંગમ : હજારો હરિભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો

રાજકોટ : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે રવિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દરબારમાં શ્રદ્ધા અને ભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી પ.પૂ. વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને દિવ્ય અને મનમોહક શણગાર કરવામાં આવ્યો હતો.

        આજના પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને વિશેષ રૂપે તૈયાર કરાયેલા એમ્બ્રોઇડરી વર્ક અને આકર્ષક ફૂલોની ડિઝાઈન ધરાવતા વાઘા અર્પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર સિંહાસનને તાજા સેવંતી અને ઓર્કિડ જેવા મિક્સ ફૂલોનો ઉપયોગ કરી કલાત્મક સજાવટ કરવામાં આવી હતી. ફૂલોની સુગંધથી મંદિરનું સમગ્ર પ્રાંગણ મહેકી ઉઠ્યું હતું, જે ભક્તો માટે આધ્યાત્મિક અનુભૂતિ સમાન હતું.

        વહેલી સવારે 05:45 કલાકે મંદિરના પૂજારી સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાની ભવ્ય શણગાર આરતી ઉતારવામાં આવી હતી. વિશેષ પ્રસાદ રૂપે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાને સુખડીનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં હરિભક્તો સાળંગપુરધામ ખાતે ઉમટી પડ્યા હતા. ભક્તોએ

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના આ અલૌકિક સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર 'કષ્ટભંજન દેવની જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

(10:16 AM IST)