<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના સાનિધ્યમાં જલઝીલણી એકાદશીની ઉજવણી : શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ફ્રૂટનો અન્નકૂટ : શ્રી ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર

પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ ભક્તિ અને ઉમંગ સાથે ગણપતિ મૂર્તિ વિસર્જન વિધિ પૂર્ણ : "ગણપતિ બાપ્પા મોરિયા...અગલે બરસ તું જલ્દી આના..." ના નારા સાથે મંદિર પરિસરમાં શોભાયાત્રા

રાજકોટ તા.૨૨ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા મંદિર ખાતે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શન હેઠળ આજે મંગળવારના રોજ જલઝીલણી(પરિવર્તિ) એકાદશીની ઉજવણી કરાઈ હતી.

        શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ફ્રૂટનો અન્નકૂટ ધરાવાયો હતો.શ્રી ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર કરવામાં આવ્યો હતો. તેમજ આરતી કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી એવં શ્રી નારાયણમુની સ્વામી વગેરે દ્વારા કરવામાં આવી હતી. જલઝીલણી એકાદશીની  ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભક્તિ અને ઉમંગ સાથે ગણપતિ વિસર્જન વિશેષ પૂજન અર્ચન,ધાર્મિક વિધિ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પરંપરાગત રીતે ગણપતિ મૂર્તિ વિસર્જનની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.

           ભક્તોની ઉપસ્થિતિમાં ગણપતિ બાપ્પાની આરતી કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી દ્વારા ઉતારવામાં આવી હતી. "ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના" ના નારા સાથે મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી.મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું  આયોજન કરવામાં આવ્યું હતું. હરિભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર સાળંગપુરધામ ભક્તિમય રંગે રંગાઈ ગયું હતું.

(4:15 PM IST)