<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

સોમનાથથી હરિદ્વાર સુધી સનાતન આસ્‍થાનો રેલ્‍વેસેતુ મજબુત બનશે

વેરાવળ-હરિદ્વાર વચ્‍ચે અઠવાડીયામાં ૨ દિવસ નવી એકસપ્રેસ ટ્રેનને મંજુરીઃ કેન્‍દ્ર-રાજય સરકાર તથા રાજેશ ચુડાસમા ઉપર અભિનંદનવર્ષા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૬: ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર મિડિયા વિભાગની યાદી જણાવે છે કે સોમનાથ મહાદેવની પાવન ભૂમિથી હરિદ્વારની પવિત્ર ગંગા સુધીની સનાતન આસ્‍થાની યાત્રા હવે વધુ સુગમ અને સુવિધાયુક્‍ત બનવા જઈ રહી છે. રેલ મંત્રાલય દ્વારા વેરાવળ-હરિદ્વાર વચ્‍ચે અઠવાડિયામાં બે દિવસ નવી એસી એક્‍સપ્રેસ ટ્રેન ચલાવવાની મંજૂરી આપવામાં આવતા ગીર સોમનાથ, જુનાગઢ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્રના શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

સોમનાથ જ્‍યોર્તિલિંગના દર્શનથી શરૂ થતી યાત્રા હરિદ્વારની પાવન ગંગામાં તાાન સુધી પહોંચે તે માત્ર રેલસુવિધાનો વિસ્‍તાર નથી, પરંતુ દેશના બે પવિત્ર તીર્થધામોને જોડતી આસ્‍થાની એક સુંદર કડી છે. આ નવી રેલસુવિધાથી ગુજરાત અને ઉત્તર ભારત વચ્‍ચે ધાર્મિક પ્રવાસનને નવી ગતિ મળશે તથા હજારો શ્રદ્ધાળુઓ માટે યાત્રા વધુ સરળ બનશે.

આ મહત્‍વપૂર્ણ રેલસુવિધા માટે જુનાગઢ-ગીર સોમનાથ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાના અથાક પ્રયત્‍નો અને સતત રજૂઆતોને વિશેષ શ્રેય આપવામાં આવી રહ્યો છે. સૌરાષ્‍ટ્રના રેલવે વિકાસ અને જનસુવિધાના પ્રશ્‍નોને સતત વાચા આપવાના તેમના પ્રયાસોને આ મંજૂરીથી વધુ એક મહત્‍વપૂર્ણ સફળતા મળી છે.

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગરના અધ્‍યક્ષ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા, ધારાસભ્‍ય શ્રી સંજયભાઈ કોરડીયા, મેયર શ્રી ધર્મેશભાઈ પોશીયા, જુનાગઢ મહાનગર સંગઠનના તમામ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરોએ હર્ષ અને ગૌરવની લાગણી વ્‍યક્‍ત કરી છે. જુનાગઢની સનાતની ધાર્મિક જનતા વતી તેમણે દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી અને કેન્‍દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્‍ણવજીનો હૃદયપૂર્વક આભાર વ્‍યક્‍ત કર્યો છે.

સોમનાથ મહાદેવની કળપા અને મા ગંગાના પાવન આશીર્વાદને જોડતી આ નવી રેલસુવિધા સૌરાષ્‍ટ્રના ધાર્મિક પ્રવાસન માટે આશીર્વાદરૂપ સાબિત થાય તેવી સૌ શ્રદ્ધાળુઓએ પ્રાર્થના કરી છે. ‘હર હર મહાદેવ'ના જયઘોષથી ‘હર હર ગંગે' સુધીની આ યાત્રા હવે વધુ સુગમ બનશે એ સનાતન આસ્‍થા અને વિકાસના સુંદર સંગમ સમાન છે.

(1:38 PM IST)