<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

ગ્રામીણ સત્તા પંચાયતીરાજ સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ઉમરાળાના સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમની વરણી : રાષ્ટ્રીય અધ્યક્ષે એનાયત કર્યો નામાંકન પત્ર

ગ્રામીણ સ્તરે પંચાયતીરાજ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા અને ગ્રામ્ય વિકાસના પ્રશ્નોના નિરાકરણ માટે સંભાળશે મહત્ત્વપૂર્ણ જવાબદારી

ઉમરાળા : ગ્રામીણ સત્તા પંચાયતીરાજ સંગઠન દ્વારા ગુજરાત રાજ્યના સંગઠનાત્મક માળખાને વધુ વેગ આપવા માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા ગ્રામ પંચાયતના લોકપ્રિય સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમની 'ગ્રામીણ સત્તા પંચાયતીરાજ સંગઠન' ના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ તરીકે સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે.

નામાંકન અર્પણ અને સંગઠનનું લક્ષ્ય:
સંગઠનના રાષ્ટ્રીય સ્તરે પંચાયતીરાજ વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સશક્ત બનાવવાના લક્ષ્ય સાથે આ મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ વિશેષ પ્રસંગે સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિવેકચન્દ્ર અવસ્થિ તેમજ રાષ્ટ્રીય કારોબારીના સભ્યો દ્વારા ધર્મેન્દ્રભાઈ હેજમ્સને અધિકૃત નામાંકન પત્ર એનાયત કરીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. તેમની આ વરણીથી રાજ્યમાં સંગઠનના વ્યાપક વિસ્તરણને નવી ગતિ મળશે અને ગ્રામ્ય સ્તરે પંચાયતીરાજની કામગીરી વધુ પ્રભાવશાળી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

રાજ્ય અધ્યક્ષ તરીકેની જવાબદારીઓ અને પ્રાથમિકતાઓ:
નિમણૂક બાદ પ્રદેશ અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ હેજમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસ, પંચાયતીરાજ વ્યવસ્થાના ચુસ્ત અમલીકરણ અને ગ્રામીણ પ્રજાની પડતર સમસ્યાઓના ત્વરિત નિરાકરણ માટે વિશેષ કાર્યયોજના હાથ ધરવામાં આવશે.

તેમની મુખ્ય જવાબદારીઓમાં ગ્રામ્ય પ્રજાના પ્રશ્નો અને મુશ્કેલીઓને વાચા આપી સંબંધિત અધિકારીઓ સાથે સંકલન કરવું, ગ્રામ પંચાયતોના વિકાસ કાર્યો માટે જરૂરી ગ્રાન્ટ તથા ભંડોળ મેળવવા રાજ્ય સરકાર સમક્ષ મજબૂત રજૂઆતો કરવી તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીમાં પારદર્શિતા અને સુધારો લાવવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન પૂરું પાડવું, યુવા વર્ગની સક્રિય ભાગીદારી વધારવી, ગ્રામસભાઓના માધ્યમથી લોકપ્રશ્નોના ઉકેલ લાવવા અને ગ્રામીણ સમુદાયના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેવા જેવી બાબતો પર તેમનું વિશેષ ભાર રહેશે.

ધર્મેન્દ્રભાઈની આ નિમણૂકથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના વિકાસને એક નવી દિશા મળશે અને પંચાયતીરાજ વ્યવસ્થા વધુ લોકભીમુખ બનશે તેવી આશા સમગ્ર પંથકમાં વ્યક્ત થઈ રહી છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(8:42 PM IST)