તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th April 2026
સાવરકુંડલામાં સર્વપક્ષની ટિકિટ એક જ પરિવારમાં : પતિને ભાજપ અને 'આપ'માં પત્નીને કોંગ્રેસની ટિકિટ
સાવરકુંડલા નગરપાલિકાના ઈતિહાસમાં કદાચ આ પહેલી એવી ઘટના હશે કે જ્યાં એક જ પરિવારમાં ત્રણેય પક્ષોની ટિકિટ પહોંચી હોય.

અમરેલીના સાવરકુંડલામાં નગરપાલિકાની ચૂંટણીમાં એક એવું નસીબદાર દંપતી સામે આવ્યું છે, જેમને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી—એમ ત્રણેય મુખ્ય પક્ષોએ ટિકિટ આપી દીધી છે!
રાજકારણમાં ઘણીવાર ઉમેદવારો ટિકિટ માટે વલખાં મારતા હોય છે, પણ સાવરકુંડલાના નેસડી રોડ પર રહેતા પોપટભાઈ જમોડ અને તેમના પત્ની હંસાબેન માટે તો જાણે નસીબના દ્વાર ખુલી ગયા છે. સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આ દંપતી અત્યારે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.વાત જાણે એમ છે કે, પોપટભાઈ જમોડ મૂળ ભાજપના કાર્યકર્તા છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદીમાં વોર્ડ નંબર 6 માંથી પોપટભાઈનું નામ જાહેર કરવામાં આવ્યું. પરંતુ, રાજકારણમાં સમીકરણો પલટાતા વાર નથી લાગતી. પોપટભાઈના એક સાથીદારને ભાજપે ટિકિટ ન આપતા નારાજગી વ્યાપી અને તે સાથીદારે કોંગ્રેસનો હાથ પકડ્યો. આ સાથે જ પોપટભાઈએ પણ પોતાના પત્ની હંસાબેન જમોડનું ફોર્મ કોંગ્રેસમાંથી ભરાવી દીધું નવાઈની વાત તો ત્યારે સામે આવી જ્યારે આમ આદમી પાર્ટીની યાદી બહાર પડી. 'આપ'ની ઓથેન્ટિક યાદીમાં પણ વોર્ડ નંબર 6 માંથી પોપટભાઈ જમોડનું નામ જોઈ લોકો દંગ રહી ગયા. આમ, પોપટભાઈનું નામ ભાજપ અને આમ આદમી પાર્ટીમાં છે, જ્યારે તેમના પત્ની હંસાબેન કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે.
સાવરકુંડલા નગરપાલિકાના ઈતિહાસમાં કદાચ આ પહેલી એવી ઘટના હશે કે જ્યાં એક જ પરિવારમાં ત્રણેય પક્ષોની ટિકિટ પહોંચી હોય. હવે જોવાનું એ રહેશે કે જનતા આ 'બહુપક્ષીય' દંપતી પર પસંદગીનો કળશ ઢોળે છે કે કેમ..!
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
