News of Thursday, 30th April 2026
શનિવારથી શુકતીર્થમાં પૂ.મોરારીબાપુના વ્યાસાસને ૯૭૭મી રામકથાઃ ભાગવતની પ્રથમ ભૂમિ પર નવ દિવસ સુધી રામરસની સરવાણી
ઉત્તર પ્રદેશના શુક્રતાલમાં ૨થી ૧૦ મે દરમિયાન કથા, ૫૦૦૦ વર્ષ પૂર્વે શુકદેવજીએ જ્યાં પરીક્ષિતને ભાગવત સંભળાવ્યું તે પાવન વટવૃક્ષની છાયામાં યોજાશે કથા ૩૫ ફૂટ ઊંચી શ્રી ગણેશજીની ૭૨ ફૂટ ઊંચી શ્રી હનુમાનજીની, ૧૦૮ ફૂટ ઊંચી ભગવાન શિવની અને ૮૦ ફૂટ ઊંચી માતા દુર્ગાજીની વિશાળ પ્રતિમાઓ સ્થાપિત છે

રાજકોટ તા.૩૦: વિશ્વવિખ્યાત રામકથાકાર પૂ. મોરારીબાપુની ૯૭૭મી રામકથા હવે ઉત્તર પ્રદેશના પૌરાણિક તીર્થ શુકતીર્થ એટલે કે શુક્રતાલમાં યોજાવા જઈ રહી છે. શનિવાર, ૨ મે, ૨૦૨૬ના રોજ કથાનો મંગલ પ્રારંભ થશે અને રવિવાર, ૧૦ મે, ૨૦૨૬ના રોજ નવ દિવસીય કથાને પૂર્ણાહુતિ આપવામાં આવશે.
ભાગવતની જન્મભૂમિ શુક્રતાલનું પૌરાણિક મહાત્મ્ય
શુકતીર્થ ઉત્તર પ્રદેશના મુઝફફરનગરથી લગભગ ૨૮ કિલોમીટર દૂર ગંગા નદીના પવિત્ર તટ પર આવેલું છે. આ તે જ પાવન ભૂમિ છે જ્યાં આજથી લગભગ ૫૦૦૦ વર્ષ પૂર્વે મહર્ષિ શુકદેવજીએ રાજા પરીક્ષિતને શ્રીમદ્ ભાગવત મહાપુરાણની પ્રથમ કથા સંભળાવી હતી. અભિમન્યુના પુત્ર અને અર્જુનના પૌત્ર રાજા પરીક્ષિતને તક્ષક નાગ કરડવાથી સાત દિવસમાં મૃત્યુનો શ્રાપ મળ્યો હતો, ત્યારે મોક્ષ અર્થે શુકદેવ મુનિએ અહીં સતત સાત દિવસ સુધી ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું.
આજે પણ તે પવિત્ર વટવૃક્ષ ત્યાં અડીખમ ઉભો છે, જેના વિશે એવી માન્યતા છે કે આ વડને ક્યારેય પાનખર આવતી નથી. કળિયુગમાં ભાગવત કથાની ગંગા અહીંથી જ વહેતી થઈ હતી, એટલે જ શુક્રતાલને ‘ભાગવતની જન્મભૂમિ' કહેવાય છે.
શુક્રતાલઃ દેવી-દેવતાઓની વિશાળ પ્રતિમાઓનું ધામ
આ પવિત્ર તીર્થસ્થાને અનેક ભવ્ય મૂર્તિઓ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ૩૫ ફૂટ ઊંચી શ્રી ગણેશજીની, ૭૨ ફૂટ ઊંચી શ્રી હનુમાનજીની, ૧૦૮ ફૂટ ઊંચી ભગવાન શિવની અને ૮૦ ફૂટ ઊંચી માતા દુર્ગાજીની વિશાળ પ્રતિમાઓ સ્થાપિત થયેલી છે. ગંગા કિનારે વસેલા આ તીર્થની આધ્યાત્મિક આભા અનેરું મહાત્મ્ય ધરાવે છે.
પૂ.મોરારીબાપુની વાણીથી તીર્થની ગરિમા બનશે વધુ તેજોમય
ભાગવતની આદ્ય ભૂમિ પર જ્યારે પૂજ્ય મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા વહેશે ત્યારે શુક્રતાલની ગરિમા વધુ તેજોમય બનશે તેવું ભાવિકોમાં માનવામાં આવે છે. ‘માનસ શુકતીર્થ' શીર્ષક હેઠળ યોજાનારી આ ૯૭૭મી કથા રામ અને કૃષ્ણ બંનેના સમન્વયનું પ્રતીક બનશે.
કથાનો સમય સવારે ૯:૩૦થી બપોરે ૧:૩૦ સુધીનો રહેશે. દેશ-વિદેશથી હજારો શ્રોતાઓ આ પાવન અવસરનો લાભ લેવા શુક્રતાલ પહોંચશે. આસ્થા ચેનલ અને અન્ય ડિજિટલ માધ્યમો પર કથાનું સીધું પ્રસારણ પણ કરવામાં આવશે.
રામકથા અને ભાગવતકથા બંનેના સંગમ સમાન આ તીર્થ પર બાપુની કથા એક ઐતિહાસિક ઘટના બની રહેશે.તેમ
જયદેવભાઈ માંકડ(તલગાજરડા), તખુભાઈ સાંડસૂર(વેળાવદર)ની યાદીમાં જણાવાયું છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
