News of Friday, 1st May 2026
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીઃ નાસિર ચૌહાણનો રેકોર્ડબ્રેક વિજય, રાજેભાઈ ચૌહાણની હેટ્રિક
વોર્ડ ૭ અને ૯માં ચોહાણ બંધુઓની પ્રચંડ જીતથી કોંગ્રેસનું સન્માન જળવાયું; કુલ ૯૯ ઉમેદવારોમાં સૌથી વધુ ૨૫૮૭ મતો નાસિર ચોહાણને મળ્યા, રાજેભાઈ ચોહાણ સતત ત્રીજી વાર વિજેતા

(ઈકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા તા.૧: સાવરકુંડલા નગરપાલિકાની ચૂંટણીના પરિણામમાં વોર્ડ નંબર ૭ અને ૯ના કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચોહાણ બંધુઓએ પ્રચંડ વિજય મેળવી પક્ષનું નાક રાખી દીધું છે. વોર્ડ ૭ના નાસિર ચોહાણે ઐતિહાસિક રેકોર્ડબ્રેક જીત નોંધાવી છે, જ્યારે વોર્ડ ૯ના રાજેભાઈ ચોહાણે હેટ્રિક સર્જી છે.
કુલ ૯૯ ઉમેદવારો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં સૌથી વધારે મતો નાસિરભાઈ ચોહાણને મળ્યા છે. વોર્ડ નંબર ૭થી કોંગ્રેસ પક્ષના સિનિયર કાઉન્સિલર નાસિરભાઈ ચોહાણ ૨૫૮૭ જંગી મતો મેળવી પ્રચંડ જીત હાંસિલ કરી છે. નગરપાલિકાના ઇતિહાસમાં આ સૌથી મોટી લીડથી મળેલી જીતોમાંની એક છે. નાસિરભાઈએ સતત ચોથી વાર વિજય મેળવ્યો છે. લોકોની સમસ્યાનો અવિરતપણે ઉકેલ લાવતા નાસિરભાઈ અડધી રાત્રે પણ નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહે છે, જેના કારણે તેમને મતો માગવા જવાની જરૂર પડતી નથી.
તો વોર્ડ નંબર ૯માંથી રાજેભાઈ ચોહાણ પણ સતત ત્રીજી વાર વિજેતા બન્યા છે અને હેટ્રિક નોંધાવી છે. આ બંને વજનદાર ચોહાણ બંધુ કાઉન્સિલરોએ કોંગ્રેસ પક્ષનું સન્માન જાળવી રાખ્યું છે. પહેલા એકથી છ વોર્ડની ગણતરીમાં કોંગ્રેસને માત્ર ૩ સીટ મળી હતી. વોર્ડ ૭ અને ૯ના પરિણામ ખૂલતા બંને વોર્ડમાં ૪-૪ સીટ મળી અને કોંગ્રેસની કુલ ૧૧ સીટો થઈ. જો આ બે વોર્ડમાં પેનલનું ખાતું ન ખુલ્યું હોત તો કોંગ્રેસની શું દશા થાત તે કહી શકાય નહીં. ભાજપ અને કોંગ્રેસ પક્ષના ધુરંધરો હારી ગયા, પરંતુ નાસિર ચોહાણ અને રાજેભાઈ ચોહાણે પોતાના વોર્ડમાં દબદબો યથાવત રાખ્યો છે.
આ ઉપરાંત વોર્ડ નંબર ૭માંથી નિલોફરબેન કાદરી બીજી વાર અને વોર્ડ ૯માંથી અમીનાબેન ચોહાણ પણ બીજી વાર જ્વલંત વિજય હાંસિલ કર્યો છે. ૮૫ વર્ષની ઉંમરે અમીનાબેન ચોહાણ એટલે કે નાનીમાની સેવાની સૌ પ્રશંસા કરી રહ્યા છે. નિલોફર કાદરી પણ મહિલાઓની સેવામાં અગ્રેસર રહ્યા છે. નિલોફર કાદરી અમરેલી જિલ્લામાં આગવું નામ ધરાવતા પત્રકાર ફારૂક કાદરીના પત્ની અને સિનિયર પત્રકાર ઇકબાલ ગોરીના બહેન થાય છે
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
