<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

શિહોરના સણોસરા નજીક સ્‍કોર્પિયોની અડફેટે

પિતા-પુત્રના મોતઃ હડમતિયા ગામના પરિવારમાં ભારે શોક

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨રઃ ઉમરાળા તાલુકાના હડમતિયા ગામે રહેતા ધનજીભાઈ મૂળજીભાઈ જોગદીયા ઉં.વ. ૬૫ અને તેમના પુત્ર કિરણભાઈ ધનજીભાઈ જોગદીયા ઉં.વ. ૪૪ ગ્રામ પંચાયતના સેન્‍ટિંગનું કામ પૂરું કરીને પોતાની મોટરસાઇકલ પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સિહોર તાલુકાના સણોસરા ગામ નજીક ભાવનગર-રાજકોટ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક સ્‍કોર્પિયો કાર નંબરઃ જીજે ૦૪ ૩૦૩ ના ચાલકે  પોતાની કાર પૂરપાટ ઝડપે  ચલાવી પિતા-પુત્રની બાઈકને જોરદાર અડફેટે લીધી હતી.

પુત્રની નજર સામે

જ પિતાએ દમ તોડ્‍યો

આ અકસ્‍માત એટલો ભયાનક હતો કે પુત્રની નજર સામે જ પિતા ધનજીભાઈનું ગંભીર ઈજાઓ થવાના કારણે રસ્‍તામાં જ પ્રાણ પંખેડું ઊડી ગયું હતું.અકસ્‍માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફતે ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત પુત્ર કિરણભાઈને તાત્‍કાલિક સારવાર અર્થે સિહોર સરકારી હોસ્‍પિટલ  ખાતે ખસેડવામાં આવ્‍યા હતા. જોકે, તેમની હાલત અત્‍યંત નાજુક હોવાથી વધુ સારવાર માટે હોસ્‍પિટલથી ભાવનગર રીફર કરવામાં આવ્‍યા હતા. પરંતુ કમનસીબે ભાવનગર પહોંચતા પહેલાં જ રસ્‍તામાં કિરણભાઈએ પણ દમ તોડી દીધો હતો. આમ, એક જ અકસ્‍માતમાં પિતા અને પુત્ર બંનેના મોત નીપજ્‍યા હતા.

આ કરૂણ ઘટનાની જાણ થતાં જ સિહોર સ્‍થિત તેમના પરિવારજનો હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતા. બંને મળતકોની લાશને પોસ્‍ટમોર્ટમ (પી.એમ.) અર્થે ખસેડીને આગળની વિધિ બાદ પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ અકસ્‍માત અંગે  સોનગઢ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(1:23 PM IST)