<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

રાજુલાના નવી બારપટોળી ગામની સીમમાં વનકર્મચારીઓ પર હુમલા બાદ સર્ચ ઓપરેશન :10 ટીમો બનાવાઈ: ડ્રોનની મદદ સાથે સઘન શોધખોળ શરૂ

ઘટનાને લગભગ 20 કલાક વીતી ગયા હોવા છતાં સિંહની ચોક્કસ ભાળ નહીં મળતા વનવિભાગે સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી:સિંહને શોધવા માટે મેગા ઓપરેશન

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં વનકર્મચારીઓ પર સિંહે હુમલો કર્યાની ઘટના બાદ વનવિભાગે સઘન શોધખોળ શરૂ કરી છે. ઘટનાને લગભગ 20 કલાક વીતી ગયા છતાં સિંહની ચોક્કસ ભાળ મળી નથી. જેના પગલે વનવિભાગે સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી સિંહને શોધવા માટે મેગા ઓપરેશન હાથ ધર્યું છે.

 

ગઈકાલે બનેલી ઘટનામાં સિંહે વનવિભાગના બે કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે વનવિભાગની ટીમોએ આસપાસના વિસ્તારમાં સિંહની શોધખોળ શરૂ કરી હતી. જોકે, 20 કલાક જેટલો સમય વીતી જવા છતાં સિંહનું ચોક્કસ લોકેશન મળી શક્યું નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વનવિભાગે વધુ વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

 

 

સિંહની ભાળ મેળવવા માટે વનવિભાગ દ્વારા અલગ-અલગ 10 ટીમોની રચના કરવામાં આવી છે. તમામ ટીમોને ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારોમાં સર્ચ માટે તૈનાત કરવામાં આવી છે. વનકર્મચારીઓ દ્વારા સિંહના પગના નિશાન, હિલચાલ અને અન્ય સંકેતોના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

 

 

મેગા ઓપરેશન દરમિયાન વનવિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ACF રાજન જાદવના નેતૃત્વ હેઠળ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સિંહ કયા વિસ્તારમાં ગયો હોઈ શકે તે દિશામાં ટીમો દ્વારા અલગ-અલગ પોઇન્ટ પર સઘન તપાસ કરવામાં આવી રહી છે.

 

સર્ચ ઓપરેશનને વધુ અસરકારક બનાવવા માટે વનવિભાગે ડ્રોનની મદદ લેવાનું શરૂ કર્યું છે. હવાઈ નજર રાખીને સિંહનું લોકેશન શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત સાસણની વિશેષ ટીમોને પણ બોલાવવામાં આવી છે. હાલ વનવિભાગની અનેક ટીમો સંકલન સાથે કામગીરી કરી રહી છે અને સિંહની ભાળ મેળવવા માટે તમામ સંભવિત વિસ્તારોમાં તપાસ ચાલી રહી છે.

(10:02 PM IST)