<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

જામનગરમાં પાંચ દિવસમાં હત્યાની બીજી ઘટના : સુભાષ બ્રિજ નીચેથી મળેલા રીક્ષા ચાલકની લૂંટના ઇરાદે હત્યા

ત્રણબત્તી વિસ્તારમાં માછલી ખરીદવા ગયેલા ઇસ્માઈલભાઈ કેરને રિક્ષા સાથે લઈ જઈ ટૂંપો દઈ હત્યા, રોકડ અને મોબાઈલ લૂંટી આરોપીઓ ફરાર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા.૫ : જામનગર શહેરમાં માત્ર પાંચ દિવસના સમયગાળામાં હત્યાની બીજી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. સુભાષ બ્રિજ નીચેથી મળી આવેલા બેડી વિસ્તારના માછીમાર રીક્ષા ચાલકની રોકડ અને મોબાઈલ ફોનની લૂંટના ઇરાદે હત્યા કરાયાનું સામે આવ્યું છે.

 

મૃતકની ઓળખ બેડી વિસ્તારના રહેવાસી અને માછલી વેચવાનો વ્યવસાય કરતા ઇસ્માઈલભાઈ હારૂનભાઈ કેર (ઉ.વ. 59) તરીકે થઈ છે. મૃતકના પુત્ર અસગર ઇસ્માઈલભાઈ કેર દ્વારા સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોતાના પિતાનું લૂંટના ઇરાદે અપહરણ કરી હત્યા અને લૂંટ અંગે ફરિયાદ નોંધાવી છે.

 

ફરિયાદ મુજબ, તા. 04/05/2026ના રોજ વહેલી સવારે આશરે 5:30 વાગ્યે ઇસ્માઈલભાઈ પોતાની સી.એન.જી. રિક્ષા નં. GJ-10-TW-0814 લઈને ત્રણબત્તી સ્થિત માછલી માર્કેટમાં માછલી ખરીદવા ગયા હતા. દરરોજની જેમ સવારે 8:00 થી 8:30 વાગ્યે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ દ્વારા સુભાષ બ્રિજ નજીક નદીકાંઠે મળેલા મૃતદેહની ઓળખ થઈ હતી.

 

ઘટનાસ્થળે ઇસ્માઈલભાઈનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. તેમના માથા, કપાળ, આંખ ઉપર અને કાન પાસે ગંભીર ઈજાઓ તેમજ ગળા પર દબાણના નિશાનો જોવા મળ્યા હતા. મૃતક દરરોજ માછલી વેચાણ માટે આશરે 5,000 થી 7,000 જેટલી રોકડ રકમ પોતાની પાસે રાખતા હતા, પરંતુ ઘટના સ્થળેથી તેમનું પાકીટ, મોબાઈલ ફોન અને રોકડ રકમ ગુમ હતી. મૃતદેહથી થોડે દૂર રવિવારી ગુજરી બજાર નજીક નદીના પટ્ટામાં તેમની રિક્ષા પણ મળી આવી હતી.

 

પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે ઇસ્માઈલભાઈને રિક્ષા સાથે સુભાષ બ્રિજ વિસ્તારમાં લઈ જઈ તેમની ઉપર હુમલો કરી હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા ત્રણબત્તી વિસ્તારના સીસીટીવી કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ દ્વારા આરોપીઓને શોધવા માટેની કવાયત હાથ ધરાઈ છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ ઝડપથી આરોપીઓને પકડી પાડવાની ખાતરી આપી છે

(11:05 AM IST)