તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
ભાવનગરમાં RTE પ્રવેશનો બીજો રાઉન્ડ 25 મેથી શરૂ: 115 ખાનગી શાળાઓની 1,125 બેઠકો માટે ઓનલાઈન ફોર્મ ભરાશે, વાલીઓ માટે સુવર્ણ તક, 7 જૂન સુધી પ્રક્રિયા ચાલુ રહેશે
પ્રથમ રાઉન્ડમાં ખાલી રહેલી બેઠકો માટે બીજા તબક્કાનો પ્રારંભ: આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને ધો-1માં મફત પ્રવેશ મળશે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર, જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવા અપીલ

ભાવનગર : શિક્ષણ અધિકાર અધિનિયમ (RTE) હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-1માં મફત પ્રવેશ માટેનો બીજો તબક્કો ભાવનગર જિલ્લામાં 25 મે 2026થી શરૂ થવા જઈ રહ્યો છે. પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા બાદ ખાલી રહી ગયેલી 1,125 બેઠકો માટે આ વખતે 115 ખાનગી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
બીજા રાઉન્ડની મહત્વની તારીખો
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ RTE પોર્ટલ પર 25 મે 2026થી 7 જૂન 2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ફોર્મની ચકાસણી 8 જૂનથી 14 જૂન દરમિયાન કરવામાં આવશે. ત્યારબાદ 18 જૂનના રોજ બીજા રાઉન્ડ માટેનું એલોટમેન્ટ લિસ્ટ જાહેર કરાશે. એલોટમેન્ટ મળેલ વિદ્યાર્થીઓએ 19 જૂનથી 25 જૂન સુધીમાં સંબંધિત શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ મેળવવાનો રહેશે.
કોણ કરી શકશે અરજી?
RTE એક્ટ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો કે જેમની વાર્ષિક આવક ₹1.50 લાખથી ઓછી હોય, અનુસૂચિત જાતિ/જનજાતિ, OBC, વિચરતી-વિમુક્ત જાતિ તેમજ વંચિત જૂથના બાળકો આ યોજનાનો લાભ લઈ શકશે. અરજી કરવા માટે બાળકની ઉંમર 1 જૂન 2026ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલી હોવી જરૂરી છે.
જરૂરી દસ્તાવેજો
વાલીઓએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બાળકનું જન્મ પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, જાતિનો દાખલો, આધાર કાર્ડ, બેંક પાસબુક અને પાસપોર્ટ સાઇઝ ફોટો અપલોડ કરવાના રહેશે.
DPEOની અપીલ
ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.કે.પટેલે જણાવ્યું કે "પ્રથમ રાઉન્ડમાં ઘણા વાલીઓ ફોર્મ ભરી શક્યા ન હતા અથવા ડોક્યુમેન્ટની ખામીને કારણે રિજેક્ટ થયા હતા. તેઓ માટે બીજો રાઉન્ડ સુવર્ણ તક છે. વાલીઓએ સમયમર્યાદામાં સાચા દસ્તાવેજો સાથે અરજી કરે તે જરૂરી છે." વધુ માહિતી માટે વાલીઓ https://rte.orpgujarat.com પોર્ટલની મુલાકાત લઈ શકે છે અથવા હેલ્પલાઈન નંબર 079-232-53991 પર સંપર્ક કરી શકે છે.
પ્રથમ રાઉન્ડનું પરિણામ
ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં RTEના પ્રથમ રાઉન્ડમાં 2,870 બેઠકો સામે 4,100થી વધુ અરજીઓ આવી હતી, જેમાંથી 1,745 બાળકોને પ્રવેશ ફાળવાયો હતો. 1,125 બેઠકો ખાલી રહેતા હવે બીજા રાઉન્ડનું આયોજન કરાયું છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
