<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

જેતપર ખેડૂત આંદોલન વચ્ચે લોકસાહિત્યકાર કલાકાર હકાભા ગઢવીનો સનસનીખેજ ધડાકો : આંદોલન સમેટવા માટે નિલેશ એરવાડિયાએ ૨૫ કરોડ રૂપિયાની લાંચ માંગી હોવાનો પ્રેસ કોન્ફરન્સમાં ગંભીર આક્ષેપ

"સરકાર સાથે બેઠક કરવા માટે ૨ કરોડ એડવાન્સ માંગ્યા અને મને પણ ૧ કરોડની ભાગબટાઈની ઓફર કરી - પુરાવા તરીકે વોટ્સએપ કોલનું રેકોર્ડિંગ કર્યું છે" : વિભીષણ અને ગદ્દાર ગણાવીને કલાકારે પોલીસ સુરક્ષા માંગી

 રાજકોટ:  મોરબીના જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે આજે એક અત્યંત ચોંકાવનારી અને સનસનીખેજ ઘટના સામે આવી છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને લોકગાયક હકાભા ગઢવીએ એક તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ યોજીને મુખ્ય આંદોલનકારી અને ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપોનો મારો ચલાવ્યો છે. હકાભા ગઢવીએ જાહેર કર્યું છે કે નિલેશ એરવાડિયા આંદોલનના નામે ખેડૂતો સાથે બહુ મોટો વિશ્વાસઘાત અને ગદ્દારી કરી રહ્યા છે.

 

 ગાડીમાં બેસીને થઈ ૨૫ કરોડની ડીલ, ૧ કરોડની ઓફર મળી:

પોતાની પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર મામલાનો ખુલાસો કરતા હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, જ્યારે નિલેશ એરવાડિયા મારી ગાડીમાં બેઠા ત્યારે મેં સામેથી કીધું હતું કે જો સરકાર આપણને ચર્ચા કરવા માટે બોલાવતી હોય તો આપણે મળવા જવું જોઇએ અને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવો જોઈએ. આ વાત સાંભળીને નિલેશ એરવાડિયાએ વળતો સવાલ કર્યો કે, "સરકારને મળવામાં આપણને વ્યક્તિગત રીતે શું મળે?" તેમણે વધુમાં મને જણાવ્યું કે જો તમારા સરકારમાં કોઈ ઉચ્ચ સ્તરે સંબંધ હોય તો વાત કરો, આપણે સરકાર પાસે આંદોલન સમેટી લેવા અને પલટાવી દેવા માટે રૂ. ૨૫ કરોડની માંગણી કરીએ. આ વાતચીત દરમિયાન નિલેશ એરવાડિયાએ એવી ઓફર કરી કે સરકાર સાથે મુલાકાત કરતા પહેલા ૨ કરોડ રૂપિયા એડવાન્સ લેવાના, જેમાંથી ૧ કરોડ રૂપિયા તમારા અને ૧ કરોડ મારા.

 

 ઓફર સાંભળી આખી રાત ઉંઘ ના આવી, પુરાવા માટે કોલ રેકોર્ડ કર્યો:

કલાકારે જણાવ્યું કે નિલેશ એરવાડિયાની આ ભ્રષ્ટાચારની વાત સાંભળીને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમને આ બાબતે ખૂબ જ ગ્લાનિ અને આઘાત અનુભવાયો હતો. આ કપટ જોઈને તેમને આખી રાત ઉંઘ આવી ન હતી. આથી, નિલેશ એરવાડિયાનો અસલી ચહેરો ખુલ્લો પાડવા અને પુરાવા ભેગા કરવા માટે તેમણે નિલેશ એરવાડિયાને વોટ્સએપ કોલ કર્યો હતો. આ ટેલિફોનિક વાતચીતનું ઓડિયો રેકોર્ડિંગ તેમના દીકરાએ કર્યું હતું. આ ફોન કોલમાં પણ નિલેશ એરવાડિયા સ્પષ્ટપણે બોલે છે કે સરકાર સાથે બેઠક યોજવા માટે પહેલા ૨ કરોડ રૂપિયા એડવાન્સમાં લેવાના છે. આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ હડકંપ મચી ગયો છે.

 

 ભૂતકાળના આંદોલનોમાં પણ પૈસા ખાધા હોવાનો આરોપ:

હકાભા ગઢવીએ આક્રોશપૂર્વક જણાવ્યું કે નિલેશ એરવાડિયાએ ભૂતકાળમાં પણ આવા અનેક આંદોલનો કર્યા છે, જેમાં પણ તેમણે આ જ રીતે પડદા પાછળ રહીને મોટા પાયે પૈસા ખાધા હશે. તેઓ ઉપવાસના નામે માત્ર નાટક કરી રહ્યા હતા અને આંદોલન દરમિયાન દારૂનું સેવન કરવા જેવી વાતો પણ કરતા હતા. આ બધી બાબતોને કારણે ખેડૂતોનું આખું આંદોલન બગડવાની પૂરેપૂરી સંભાવના હતી, તેથી અત્યાર સુધી તેઓ ચુપ રહ્યા હતા. પરંતુ ગઈકાલે સરકારે ખેડૂતોના હિતમાં સત્તાવાર નિર્ણય જાહેર કરી દીધો હોવાથી, આજે તેઓ પોતે મીડિયા સમક્ષ આવીને આ ખુલાસો કરી રહ્યા છે.

 

 ખેડૂતોને ગદ્દારોથી સાવધ રહેવા અપીલ અને સુરક્ષાની માંગ:

નિલેશ એરવાડિયાને આંદોલનનો 'વિભીષણ' અને 'ગદ્દાર' ગણાવતા હકાભા ગઢવીએ કહ્યું કે, આ વ્યક્તિ ભોળા ખેડૂતોને માત્ર એક હાથો બનાવીને પોતાના અંગત આર્થિક ફાયદા માટે આખું આંદોલન ચલાવી રહ્યો હતો. તેઓ પોતે હંમેશા ખેડૂતોના સાચા હિતમાં તેમની સાથે અડીખમ ઉભા રહેશે અને આ આંદોલન કોઈ નેતાનું નહીં પણ સાચા ખેડૂતોનું છે જે આખરે સફળ થયું છે. આ ચોંકાવનારા અને મોટા ખુલાસાઓ કર્યા બાદ પોતાના અને પોતાના પરિવાર જનો પર જાનનું જોખમ હોવાનું જણાવીને હકાભા ગઢવીએ સરકાર અને વહીવટી તંત્ર પાસે તાત્કાલિક પોલીસ સુરક્ષા પુરી પાડવાની પણ માંગ કરી છે.

(11:58 AM IST)