<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

કચ્છમાં અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપનીના પ્લાન્ટ સામે પ્રદૂષણની ગંભીર ફરિયાદ: ૧૫ દિ’ બંધ રાખવાનો આદેશનો ઉલાળીયો કર્યો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

વાયોર અને આસપાસના ગામોમાં જનાક્રોશ બાદ પ્રદૂષણ નિમંત્રણની ટીમ દોડતી થઈ, ઝીણી રજકણોના કારણે તળાવનું પાણી પ્રદૂષિત, ખેતરો બંજર થયા, આસપાસના ગામોમાં ખેતી કરવી મુશ્કેલ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ :  કચ્છના અબડાસા તાલુકાના વાયોર નજીક આવેલી અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપની દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને હવામાં સિમેન્ટની ધૂળ છોડવામાં આવતી હોવાના ગ્રામજનોના આક્ષેપો વચ્ચે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (જીપીસીબી)ની ટીમે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, કંપનીને અગાઉ ડસ્ટનું ઉત્સર્જન બંધ કરવા ૧૫ દિવસની નોટિસ આપવામાં આવી હોવા છતાં પ્લાન્ટની કામગીરી યથાવત્ છે. સિમેન્ટની ધૂળ આસપાસનાં ગામોના ખેતરોમાં ફેલાતાં ખેતીલાયક જમીન અને પાકને નુકસાન થઈ રહ્યું છે. એટલું જ નહીં, વાયોર નજીક આવેલા કુદરતી ખારા તળાવનું પાણી પણ પ્રદૂષિત થયું હોવાની ફરિયાદ ઉઠી છે. રાત્રિના સમયે મોટા પ્રમાણમાં ધૂળ છોડવામાં આવતી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. ફરીયાદોના પગલે જીપીસીબીની ટીમે અસરગ્રસ્ત ખેતરો અને આસપાસના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તપાસનો રિપોર્ટ ઉચ્ચ કચેરીને સુપરત કરીને નિયમોનુસાર કાર્યવાહી કરવાની વાત અધિકારીઓ દ્વારા જણાવાઈ હોવાનું જાણવા મળે છે. જોકે, આ સમગ્ર મામલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મીડિયાને કોઈ સત્તાવાર પ્રેસનોટ આપવામાં આવી નથી. કે અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા પણ કોઈ સત્તાવાર ખુલાસો કરાયો નથી. નોટિસ છતાં પ્રદૂષણ ચાલુ હોવાના આક્ષેપો વચ્ચે કંપની સામે કડક કાર્યવાહી કરવાની ખેડૂતોની માંગ ઉઠી છે.

(9:28 AM IST)