<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

જામનગરમાં નોકરે જ કરી 43 લાખની ચોરી : બેંકના લોકરમાંથી સોનું બદલી નાખ્યું : સીટી એ ડિવિઝન પોલીસે બે શખ્સોને દબોચ્યા

348 ગ્રામ સોનુ, 2.50 લાખ રોકડા અને મોબાઈલ મળી કુલ રૂ. 43,16,450 નો મુદ્દામાલ રીકવર : મુખ્ય આરોપી હજુ ફરાર

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૭ : જામનગર શહેરમાં ચોરી અને ઘરફોડ ચોરીના બનાવોને ડામવા માટે રેન્જ IG નિર્લિપ્ત રાય અને SP  ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે, ત્યારે સીટી એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે.

ગત તા. 03/08/2025 ના રોજ પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા અને વિજયભાઈ બળદેવભાઈ કાનાણીને બાતમી મળી હતી કે, વિજયભાઈ આલાભાઈ વઘોરા નામનો શખ્સ પ્રણામી સ્કૂલ બાજુમાં રણજીતસાગર રોડ પર બિલ આધાર વગર સોનાના દાગીના વેચવા માટે માધવ પ્લાઝામાં આવેલ છે.

બાતમી આધારે વોચ ગોઠવી બંનેને પકડી પુછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. હર્ષદ મીલની ચાલી, પ્રણામી ટાઉનશીપ શેરી નં. 5 ના હસમુખભાઈ દિનેશભાઈ પારીયાએ પોતાની જ બેંકમાં નોકરી કરતા હોવાનો લાભ લઈને અસલી કામ કર્યું હતું.

રણજીતસાગર રોડ પર આવેલ ઇન્ડિયન (અલ્હાબાદ) બેંકમાં નોકરી કરતા હસમુખભાઈએ બેંકના લોકરમાંથી અસલ સોનાના દાગીના ચોરી કરી તેમાં નકલી દાગીના રાખી દીધા હતા અને અસલ દાગીના વેચવા માટે પોતાના સાગરીત વિજયને આપ્યા હતા. આ અંગે બેંક મેનેજરે તપાસ કરતા સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું અને કુલ રૂ. 39,48,612 ના સોનાની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

આ ગુન્હાની તપાસ PI વી.એમ.ડોડીયાના માર્ગદર્શન હેઠળ ASI એન.કે.ઝાલાને સોંપવામાં આવી હતી.

    પોલીસે બે આરોપી હસમુખ દિનેશભાઈ પારીયા, ઉ.35, રહે. હર્ષદમીલની ચાલી, પ્રણામી ટાઉનશીપ શેરી નં.5, મકાન નં.68, જામનગર, વિજય આલાભાઈ વઘોરા, ધંધો. ડ્રાઈવિંગ, રહે. રણજીતનગર સરકારી હાઉસિંગ ક્વાર્ટર, બિલ્ડીંગ નં.6, ત્રીજા માળે, જામનગર મૂળ રહે. ગોઇજ તા.ખંભાળીયા જી. દેવભૂમિ દ્વારકાની અટકાયત કરી તેમની પાસેથી શરૂઆતમાં 170.40 ગ્રામ સોનુ કિ. રૂ. 21,19,450 તથા 2 મોબાઈલ કિ. 10,000 મળી કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બાદમાં રિમાન્ડ દરમ્યાન વધુ તપાસ કરતા કુલ રોકડા રૂ. 2,50,000 તથા બીજા 330.05 ગ્રામ સોનું કિ. 38,45,500 નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

આમ પોલીસે કુલ 348.09 ગ્રામ સોનું જેની હાલની કિંમત રૂ. 40,46,450, રોકડા રૂ. 2,50,000, 2 મોબાઈલ કિ. 10,000 અને ચાવીનો જુડો મળી કુલ રૂ. 43,16,450 નો મુદ્દામાલ રીકવર કર્યો છે.

પકડાયેલ આરોપી વિજય આલાભાઈ વઘોરા વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુન્હા નોંધાયેલા છે.1. સીટી એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. 88/2019 કલમ 65(1)બી, 85 મુજબ

2. ખંભાળીયા પો.સ્ટે. ગુ.ર.નં. 307/2019 જુગારધારા કલમ 12 મુજબ,3. સીટી સી ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં. 0048/2022 પ્રોહી કલમ 65(1)બી, 85 મુજબ

4. રાજકોટ ભક્તિનગર પો.સ્ટે. ગુ.ર.નં. 105/15 IPC કલમ 380, 457,5. સલાયા જી.દ્વારકા પો.સ્ટે. ગુ.ર.નં. 301/2024 પ્રોહી કલમ 65(એ)(એ), 116(બી), 81 મુજબ,6. વલસાડ બીલાદ પો.સ્ટે. ગુ.ર.નં. 2005/2024 પ્રોહી કલમ 65(એ), 116(બી), 81 મુજબ

7. અમરેલી પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં. 0075/2024 પ્રોહી કલમ 65(એ), 116(બી), 81 મુજબ.આ ગુન્હામાં અન્ય આરોપી રમેશભાઈ ભીમજીભાઈ પારીયા રહે. જામનગર વાળાને પકડવાનો બાકી છે.

આ કામગીરી PI વી.એમ.ડોડીયા તથા ASI નરેન્દ્રસિંહ ખુમાનસિંહ ઝાલા તથા હેડ કોન્સ્ટ. યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા વિજયભાઈ બળદેવભાઈ કાનાણી તથા હિતેશભાઈ જગદીશભાઈ સાગઠીયા તથા મહેન્દ્રસિંહ વનરાજસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.

(4:34 PM IST)