<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬: જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સેવા સેતુ અને માર્ગદર્શન સેમિનાર યોજાયા

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચુડા ગામે ગ્રામજનોના આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ સહિતની ૧,૩૩૩ અરજીઓનો સ્થળ પર નિકાલ: પોરબંદર ખાતે MSME ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ના પ્રોત્સાહનો અંગે વિશેષ સેમિનારનું આયોજન

ગાંધીનગર :‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં નાગરિકોને લોકઉપયોગી સેવાઓ પૂરી પાડવા તેમજ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે વિશેષ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જૂનાગઢ જિલ્લાના  ભેસાણ તાલુકાના ચુડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લઈ આવક-જાતિના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, આયુષ્માન કાર્ડ અને ૭/૧૨ના ઉતારા સહિત વિવિધ સરકારી તથા આરોગ્ય સેવાઓનો લાભ મેળવ્યો હતો, જ્યાં સ્થળ પર જ કુલ ૧,૩૩૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પોરબંદર ખાતે આ અભિયાન અંતર્ગત MSME ઉદ્યોગોના સર્વાંગી વિકાસ માટે નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૬ના પ્રોત્સાહનો અંગે વિશેષ સેમિનાર યોજાયો હતો, જેમાં ઉદ્યોગસાહસિકોને માર્ગદર્શન અપાયું હતું. અહી ‘સેવા જ્યોત’ યાત્રામાં જોડાયેલા પ્રાકૃતિક ખેડૂત ડાયાભાઈ ધોકિયાએ સરકારની વિવિધ ખેડૂતલક્ષી સહાય અને ટેકનિકલ માર્ગદર્શન મેળવીને સફળતાપૂર્વક ખેતી કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૨૫ વર્ષ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ ઉત્સહ્ભેર ઉજવાઈ રહ્યુ છે, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર અને નાગરિકો સહભાગી થઈને આ અભિયાનને વેગવંતુ બનાવી રહ્યા છે. 

(6:58 PM IST)