<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

ધોરાજીમાં આકરી ગરમીની સીધી અસર શાકભાજી ઉપર

પાકને ભારે નુકસાન થતા ભાવોમાં અંદાજે ૩૦ થી ૫૦ ટકાનો વધારો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૫:  ધોરાજીમાં ઉનાળાની આકરી ગરમીનો સીધી અસર હવે શાકભાજીના બજારમાં જોવા મળે છે.

કાળઝાર તાપમાનના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થતા ગત મહિનાની સરખામણીએ ભાવોમાં અંદાજે ૩૦ થી ૫૦ ટકાનો વધારો નોંધાયો છે.

૪૦ થી ૪૪ ડિગ્રી તાપમાને ધોરાજી પંથક અને રાજકોટ જિલ્‍લાના ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્‍યું છે ખાસ કરીને લીંબુના ભાવ તો આસમાને પહોંચ્‍યા છે. મહિના પહેલા ૧૦૦ રૂપિયા પ્રતિ કિલો મળતું લીંબુ હવે સીધું ૩૦૦ રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયું છે. વેપારીઓના જણાવ્‍યા મુજબ હાલ લગ્ન સીઝન સાથે આકરા તાપમાનને કારણે ઠંડા પીણા, શેરડીના રસ અને અન્‍ય વાનગીઓમાં લીંબુનો ઉપયોગ વધતા માંગમાં ભારે વધારો થયો છે  આગામી દિવસોમાં લીંબુના ભાવ ૩૦૦ને પણ પાર કરી શકે તેવી શક્‍યતા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

બીજી તરફ ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાયા છે. માવઠા જેવી આકાશી આફતોનો સામનો કર્યા બાદ ખેડૂતો એ મોંઘા બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરી ખર્ચ કરીને શાકભાજીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ હાલમાં પડી રહેલા અગ્નિ સમાન તાપમાનને કારણે પાક બળી જતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્‍યો છે.

ગરમી અને ઉત્‍પાદન ઘટતા બજારમાં મોંઘવારીનો માર વધ્‍યો છે, જેના કારણે સામાન્‍ય નાગરિકો પર પણ ભાર વધતો જોવા મળી રહ્યો છે.

હાલમાં ભારે ગરમી મોંઘવારી ના કારણે શાકભાજી તો ખરાબ પણ ફરસાણ પણ આસમાને પહોંચાડ્‍યું છે ગાંઠિયાનો ભાવ ૩૦૦ થી ૪૦૦ રૂપિયા કિલો વેચાતા હતા તે હવે ૫૦૦ થી ૬૦૦ રૂપિયા ભાવ કરી નાખ્‍યા છે ફરસાણના વેપારીઓ એવું જણાવે છે કે અમારે ગરમ ગાંઠિયામાં તેલનો ભાવ વધારો છે તેમજ ચટણી સંભારો અમારે આપવાનો થતો હોય છે એનો પણ ભાવ વધારે હોય છે એટલે ના છૂટકે અમારે ભાવ વધારો કરવો પડ્‍યો છે

હાલમાં ભારે ગરમીને કારણે લગ્ન પ્રસંગ તેમજ અન્‍ય પ્રસંગો ઉજવવા પણ મુશ્‍કેલી રૂપ બની ગયા છે કારણ કે મોંઘવારીએ માઝા મૂકી છે.

(10:48 AM IST)