<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

કચ્છના ખાવડા પંથકમાં પેટ્રોલ અને ડીઝલની ભારે અછત: 4-5 પંપો પર જથ્થો ખૂટતા વાહનચાલકો પરેશાન: હાઈવે પર વાહનોની કતારો લાગી

ઈંધણની અછતને પગલે હાઈવે પર ટ્રક અને મોટા ટેન્કરોની કિલોમીટરો સુધી લાંબી કતારો:કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતું ડીઝલ ન મળતા વાહનચાલકોમાં રોષ

કચ્છના ખાવડા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ઈંધણની ભારે અછત સર્જાતા વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં મુકાયા છે. ખાવડા આસપાસ આવેલા ચારથી પાંચ જેટલા પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો ખૂટી પડતા અથવા અપૂરતો હોવાથી રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

ઘટના મળતી માહિતી અનુસાર, ખાવડા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઓછો હોવાને કારણે અફરાતફરીનો માહોલ છે. કેટલીક જગ્યાએ તો પેટ્રોલનો જથ્થો સંપૂર્ણપણે ખૂટી પડ્યો છે, જેને કારણે ટુ-વ્હીલર ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બીજી તરફ, ડીઝલના અપૂરતા જથ્થાને કારણે માલવાહક વાહનો અટવાયા છે.

ખાવડા પંથક ઔદ્યોગિક અને વ્યૂહાત્મક રીતે મહત્વનો હોવાથી અહીંથી મોટા પ્રમાણમાં ભારે વાહનોની અવરજવર રહે છે. ઈંધણની અછતને પગલે હાઈવે પર ટ્રક અને મોટા ટેન્કરોની કિલોમીટરો સુધી લાંબી કતારો જોવા મળી રહી છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પૂરતું ડીઝલ ન મળતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિક વાહનચાલકોની માગ છે કે, તંત્ર દ્વારા સત્વરે આ વિસ્તારમાં ઈંધણનો પૂરતો પુરવઠો પૂરો પાડવામાં આવે, જેથી રોજિંદા વ્યવહાર અને ટ્રાન્સપોર્ટેશનની કામગીરી ખોરવાય નહીં. જો આગામી દિવસોમાં સ્થિતિ નહીં સુધરે તો સ્થાનિક પરિવહન વ્યવસ્થા પર તેની મોટી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.

(9:52 PM IST)