તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th July 2026
ભાવનગરમાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ધરાશાયી: સંચાલિકાની પાસા હેઠળ ધરપકડ, ૮૦ લાખની મિલકત જપ્ત
દેહવ્યાપારની કાળી કમાણીથી ઉભી કરેલી સંપત્તિ પર તંત્રનો દામો: રાજ્યમાં પ્રથમવાર BNS ની કલમ ૧૦૭ હેઠળ ઐતિહાસિક કાર્યવાહી

ભાવનગર: ભાવનગર પોલીસે શહેરમાં સ્પાની આડમાં ધમધમતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી એક મહિલા સંચાલિકા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. જિલ્લા કલેક્ટરના પાસા વોરંટના આધારે પોલીસે શબાના ઉર્ફે સબાના થીમ નામના મહિલાની અટકાયત કરી તેને ભુજની સ્પેશિયલ જેલમાં મોકલી આપી છે. પોલીસની આ તપાસમાં સામે આવ્યું છે કે, દેહવ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાંથી મેળવેલી કાળી કમાણીથી આરોપીએ લાખોની મિલકત વસાવી હતી.
પોલીસે વાઘાવાડી રોડ પર સ્થિત 'આયુર થાઈ ફેમિલી સ્પા' અને અન્ય એક કોમ્પલેક્સમાં દરોડા પાડીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં ખુલાસો થયો કે અહીં બહારથી મહિલાઓને લાવીને તેમને ગોંધી રાખવામાં આવતી હતી અને મસાજના બહાને તેમની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હતો. આ નેટવર્કનો સંચાલન શબાના નામની મહિલા કરતી હતી, જેણે ૨૦૨૨માં દુકાન ભાડે રાખીને આ કાળો કારોબાર શરૂ કર્યો હતો.
આ કાર્યવાહીમાં રાજ્યમાં પ્રથમવાર 'ભારતીય ન્યાય સંહિતા' (BNS) ની કલમ ૧૦૭નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કલમ હેઠળ આરોપી મહિલાએ ગુનાહિત પ્રવૃત્તિઓથી જે ૮૦ લાખ રૂપિયાની મિલકત બનાવી હતી, તેને સરકારે જપ્ત કરી લીધી છે. પોલીસ દ્વારા અક્ષરવાડી અને વાઘાવાડી રોડ પર આવેલી તેની મિલકતોને આઈડેન્ટીફાઈ કરીને તેને સીલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
અગાઉ પણ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા વિરુદ્ધ ફેબ્રુઆરી ૨૦૨૬માં બે ગુના નોંધાયેલા હતા. તેના ગુનાહિત ઈતિહાસ અને અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને પોલીસ તંત્રએ તેને કાયમી ધોરણે જેલના સળિયા પાછળ ધકેલવા માટે પાસા હેઠળની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીથી શહેરમાં અન્ય સ્પા સંચાલકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ રેકેટમાં ફસાયેલી પીડિત મહિલાઓને પોલીસે મુક્ત કરાવી છે અને તેમનું નિવેદન નોંધી આગળની કાયદાકીય તપાસ શરૂ કરી છે. સ્પાના નામે ચાલતા આવા અનૈતિક વ્યવસાયો સામે ભાવનગર પોલીસનું આ અભિયાન અન્ય જિલ્લાઓ માટે પણ એક દાખલો બેસાડશે. તપાસમાં વધુ કોઈ વ્યક્તિઓની સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવશે.
હવે પછી પોલીસ આ સમગ્ર નેટવર્કમાં સપ્લાય ચેન અને ગ્રાહકોની યાદી મેળવવા માટે તપાસ કરી રહી છે. સરકારની નવી જોગવાઈઓ મુજબ, ગુના દ્વારા મેળવેલી મિલકત જપ્ત કરવાની આ પહેલથી ગુનેગારોમાં ભય ફેલાશે. પોલીસ દ્વારા આગામી સમયમાં શહેરના તમામ સ્પા અને મસાજ સેન્ટરોની અચાનક ચકાસણી કરવામાં આવશે જેથી આવી પ્રવૃત્તિઓ પર કાયમી રોક લગાવી શકાય.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
