તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા સમક્ષ ૨ હજાર કિલો કેરીનો ‘શાહી આમ્રોત્સવ’ ઉજવાયો : અખાત્રીજના પવિત્ર પર્વે હનુમાનજીદાદાને 2 ટન કેરીનો ભવ્ય અન્નકૂટ અર્પણ
સુરતના મોર ડિઝાઇનના વાઘામાં દાદાના દિવ્ય દર્શન : પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ હજારો ભક્તોએ કેરીના રસનો મહાપ્રસાદ ગ્રહણ કર્યો

રાજકોટ : અખાત્રીજના પવિત્ર પર્વે વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુર ખાતે ભક્તિનું અદભૂત શિખર જોવા મળ્યું. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફળોના રાજા એવી 2000 કિલો કેરીનો ભવ્ય અન્નકૂટ અર્પણ કરી ‘શાહી આમ્રોત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આમ્રોત્સવનું મુખ્ય આકર્ષણ 2 ટન કેરીનો શણગાર રહ્યો હતો. હરિભક્તો દ્વારા અર્પણ કરાયેલી 2000 કિલોથી વધુ કેરીઓથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાનું સિંહાસન કલાત્મક રીતે શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત સુરતથી ખાસ તૈયાર થઈને આવેલા મોરની ડિઝાઇનના એમ્બ્રોડરી વર્કવાળા શાહી વાઘામાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના મનમોહક દર્શન થયા હતા, જે ભક્તો માટે અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણા તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ દિવ્ય મહોત્સવે હજારો ભક્તોને ભાવવિભોર કરી દીધા હતા. વહેલી સવારે કોઠારી સ્વામી દ્વારા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાની શણગાર આરતી કરવામાં આવી ત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું.
અન્નકૂટની તમામ કેરીઓનો રસ બનાવી હજારો હરિભક્તોને ભોજનાલયમાં પ્રસાદ સ્વરૂપે પીરસવામાં આવ્યો હતો. અખાત્રીજના શુભ દિવસે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીદાદાના દરબારમાં યોજાયેલા આ ભવ્ય આમ્રોત્સવને નિહાળીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી અને સમગ્ર વાતાવરણ “જય કષ્ટભંજનદેવ”ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
(12:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
