<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ભાવનગરમાં દારૂના નશામાં ચકચૂર નાયબ મામલતદારની શરમજનક કરતૂત : જાહેરમાં હંગામો મચાવતા કલેક્ટરે તાત્કાલિક અસરથી કર્યા સસ્પેન્ડ

બે દિવસમાં બે વાર પીધેલી હાલતમાં ઝડપાયેલા મેહુલ ભટ્ટ સામે કલેક્ટરે લાલ આંખ કરી : પોલીસ સ્ટેશનમાં પત્રકારો સાથે ગેરવર્તન અને ધાકધમકી આપતા શિસ્તભંગની કડક કાર્યવાહી હેઠળ ફરજ મોકૂફનો આદેશ

 ભાવનગર:ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં અને કલેક્ટર કચેરીમાં જવાબદાર હોદ્દો ધરાવતા અધિકારીની દારૂબંધીના લીરેલીરા ઉડાડતી કરતૂત સામે આવતા ચકચાર મચી ગઈ છે. મધ્યાહન ભોજન યોજનામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મેહુલ નિમેષભાઈ ભટ્ટ નશાની હાલતમાં જાહેરમાં ડીંડક કરતા ઝડપાયા છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને ભાવનગર જિલ્લા કલેક્ટરે આરોપી અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ (ફરજ મોકૂફ) કરવાનો હુકમ કર્યો છે.

 બે દિવસમાં બે વખત નશામાં પકડાયા: પોલીસ પણ ચોંકી ઉઠી

પ્રાપ્ત વિગતો અનુસાર, નાયબ મામલતદાર મેહુલ ભટ્ટ અગાઉ પણ દારૂ પીધેલી હાલતમાં પકડાયા હતા. જોકે, સુધારવાના બદલે તેઓ ફરી એકવાર માનસ દર્શન બંગલોઝ પાસે નશામાં ધૂત થઈને હંગામો મચાવતા ઝડપાયા હતા. સ્થાનિક રહીશોએ ૧૧૨ હેલ્પલાઇન પર જાણ કરતા પોલીસે તેમની અટકાયત કરી હતી. તબીબી પરીક્ષણમાં તેઓ કેફી પીણું પીધેલી હાલતમાં હોવાનું સાબિત થતા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વારંવાર શિસ્તભંગ કરવા બદલ કલેક્ટરે તેમને સસ્પેન્ડ કરીને ફરજ મોકૂફી દરમિયાન ગારિયાધાર મામલતદાર કચેરી ખાતે હાજર રહેવા આદેશ કર્યો છે.

 પોલીસ સ્ટેશનમાં પત્રકારો સાથે અસભ્ય વર્તન

આ અધિકારીની ઉદ્ધતતાની હદ તો ત્યારે વટાવી જ્યારે પોલીસ તેમને પકડીને લાવી ત્યારે તેમણે ત્યાં કવરેજ કરી રહેલા પત્રકારો સાથે ગંદી ગાળાગાળી કરી હતી. નશામાં ભાન ભૂલેલા નાયબ મામલતદારે પત્રકારોના કેમેરા ઝૂંટવવાનો પ્રયાસ કર્યો હતો અને જોઈ લેવાની ધમકીઓ આપી હતી. એક જવાબદાર સરકારી અધિકારીનું આવું વર્તન જોઈને ઉપસ્થિત લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પત્રકારોના કેમેરા સામે જ તેમણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ વર્તન કર્યું હતું.

 કલેક્ટરનું કડક વલણ: કોઈ પણ અધિકારીની આવી વર્તણૂક ચલાવી લેવાશે નહીં

ભાવનગર જિલ્લા કલેક્ટરે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, કોઈ પણ સરકારી અધિકારી કે કર્મચારી દ્વારા કરવામાં આવતી આવી ગેરશિસ્ત અને નશાખોરી સાંખી લેવામાં આવશે નહીં. મેહુલ ભટ્ટે ગુજરાત રાજ્ય સેવા (વર્તણૂક) નિયમો-૧૯૭૧નો ભંગ કર્યો હોવાનું જણાતા તેમની સામે ખાતાકીય તપાસ પણ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સરકારી વર્તુળોમાં ભારે ગણગણાટ શરૂ થયો છે અને પદના દુરુપયોગ બદલ કડક સજાની માંગ ઉઠી રહી છે.

(2:26 PM IST)