<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

પોરબંદરમાં ‘પૂ.ભાઇશ્રી' રમેશભાઇ ઓઝાના સાનિધ્‍યમાં શારદીય નવરાત્રી અનુષ્‍ઠાન

આ વર્ષે પણ વિનામુલ્‍યે માનવ સેવાયજ્ઞ સમા વિવિધ મેડિકલ કેમ્‍પ તથા ધાર્મિક કાર્યક્રમો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧: પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતનના ણેતા એવં આંતરરાષ્‍ટ્રીય કથાકાર પૂજ્‍ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાની પ્રેરણા એવં સાન્નિધ્‍યમાં સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે આયોજિત ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવ- ૨૦૨૬ના પ્રસંગે પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ વિનામૂલ્‍યે માનવ સેવાયજ્ઞ સમા વિવિધ મેડીકલ કેમ્‍પનું આયોજન થનાર છે. જેની વિસ્‍તળત વિગત નીચે મુજબ છે.

દંત યજ્ઞ (ડેન્‍ટલ કેમ્‍પ)

તારીખ ૧૧મી ઓક્‍ટોબર થી તારીખ ૧૯મી ઓક્‍ટોબર સુધી પ્રતિદિન સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે સવારે ૯ થી બપોરે ૧ સુધી શ્રી લાભુભાઈ શુક્‍લ મેમોરિયલ ટ્રસ્‍ટ, ગૌરીદડ, રાજકોટ ના ‘જાલંધર બંધ યોગ' પદ્ધતિના નિષ્‍ણાંત દંતવૈદ્ય શ્રી હર્ષદભાઈ જોશી અને દંતવૈદ્ય શ્રીમતી સરોજ બહેન જોશી અને તેમની ટીમ દ્વારા આ કેમ્‍પ સંપન્ન થશે.

નેત્રમણિ સાથેનો નેત્રયજ્ઞ

તા.૧૭-૧૦-૨૦૨૬, શનિવારના રોજ સાંદીપનિ ખાતે સવારે ૯:૦૦ થી ૧:૦૦ દરમ્‍યાન ખાતે નેત્રમણી સાથેનો નેત્રયજ્ઞ યોજાશે. બ્રહ્મલીન ડોક્‍ટર શિવાનંદ અધ્‍વર્યૂની પ્રેરણાથી દીક્ષિત થયેલ શિવાનંદ મિશન આઈ હોસ્‍પિટલ, વીરનગરના નિષ્‍ણાંત તબીબોની ટીમ દ્વારા દર્દીઓને તપાસવામાં આવશે. બપોર પછી ખાસ બસ દ્વારા વીરનગર લઈ જઈ ત્‍યાં મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી મૂકી બે દિવસ પછી પોરબંદર પરત મૂકી જવામાં આવશે.

ફેફસા અને શ્વાસના

દર્દોનો કેમ્‍પ

આ કેમ્‍પ તારીખ ૧૭મી ઓકટોબર શનિવારે સવારે ૯ થી બપોરે ૧ વાગ્‍યા સુધી સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે યોજાશે. પલ્‍મોનોલોજી કેમ્‍પમાં સૌરાષ્‍ટ્રના સિનિયર મોસ્‍ટ અને સેવાભાવી પલ્‍મોનોલોજીસ્‍ટ ડો. જયેશભાઈ ડોબરીયા (સિનરજી હોસ્‍પિટલ) રાજકોટ પોતાની ટીમ સાથે માનદ સેવા પૂરી પાડશે. આ કેમ્‍પ દરમિયાન પી.એફ.ટી (પલ્‍મોનરી ફંક્‍શન ટેસ્‍ટ), સી.ટી.સ્‍કેન વગેરે પણ વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. આ કેમ્‍પના સ્‍પોન્‍સર (મનોરથી) તરીકે શ્રીમાન બજરંગલાલજી તાપડીયા (પૂજ્‍ય દાદાજી) પરિવાર સેવા આપશે.

આંતવીગ્રંથીને લગતા રોગોનો કેમ્‍પ

તારીખ ૧૭ સપ્‍ટેમ્‍બર શનિવારના રોજ સવારે ૯ થી બપોરના ૧ સુધી સાંદીપની વિદ્યાનિકેતન ખાતે આયોજિત આ કેમ્‍પમાં અમદાવાદના સુપ્રસિદ્ધ સીનીયર એન્‍ડોક્રાઈનોલોજીસ્‍ટ ડો.વિવેક આર્ય તથા તેમની ટીમ દ્વારા માનદ સેવા પૂરી પાડવામાં આવશે.ઉપરોક્‍ત તમામ મેડીકલ કેમ્‍પસમાં લાભાર્થી દર્દીઓને શારીરિક તપાસ ઉપરાંત તમામ લેબોરેટરી તપાસ (બ્‍લડ-યુરીન), ઈ.સી.જી.(કાર્ડિયોગ્રામ), સોનોગ્રાફી, એક્‍સ-રે, પી.એફ.ટી., સી.ટી.સ્‍કેન વગેરે તમામ તપાસ વિનામૂલ્‍યે કરી આપવામાં આવશે. ઉપરાંત પાંચ દિવસની standard દવાઓનો કોર્સ પણ જરૂરી દર્દીઓને વિનામૂલ્‍યે પૂરો પાડવામાં આવશે.

પરમ પૂજ્‍ય ભાઈશ્રીની એ ખાસ સુચના હોય છે કે અત્‍યારની  અત્‍યાધુનિક મેડિકલ સારવાર છેવાડાના અત્‍યંત જરૂરિયાતમંદ લોકો સુધી વિનામૂલ્‍યે પહોંચવી જોઈએ અને તેમનું સ્‍વમાન જળવાવું જોઈએ. આ તમામ કેમ્‍પ દરમિયાન આ અંગે ખાસ તકેદારી રાખવામાં આવે છે.

પલ્‍મોનોલોજી કેમ્‍પ સિવાય તમામ કેમ્‍પના મનોરથી તરીકે ગં.સ્‍વ.કાંતાબેન રમણિકલાલ સૂચક તથા પરિવાર-દાર-એ-સલામ દ્વારા સેવા આપવામાં આવશે.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવ -૨૦૨૬ દરમ્‍યાન યોજાનાર ઉપરોક્‍ત તમામ કેમ્‍પના કો.ઓર્ડીનેટર ડો. સુરેશભાઈ ગાંધી અને પૂર્વ સી.એમ.ઓ. તથા સાંદીપનિના ટ્રસ્‍ટી ડો.ભરતભાઈ ગઢવી સેવા આપશે. આ તમામ કેમની વધુ માહિતી માટે ૯૪૨૬૧ ૩૩૬૯૧ પર સંપર્ક કરી શકો છો

(11:42 AM IST)