News of Saturday, 23rd May 2026
’शोला हूँ, भड़कने की गुज़ारिश नहीं करता, सच मुँह से निकल जाता है, कोशिश नहीं करता।’ ભાવનગરના ’નિર્વાણ તીર્થ’ની દયનીય દશા: સંસ્કારનગરીના આ તીર્થને બચાવવાનો પડકાર
નશ્વર માનવીની આખરી શૈયા ’નિર્વાણ તીર્થ’માં ગેસ ઉપર રાજયના કર માફ કરવાની આજીજી ફાઇલોમાં અટવાઇ : લાખો રુપિયાના અનુદાન સંબંધી નિયમોમાં પરમધામ, સ્મશાનગૃહ કે નિર્વાણ તીર્થ જેવા પૂણ્યના સાર્વજનિક પરબોના હેતુ માટે જો જોગવાઇ ના હોય તો ’ખાસ કિસ્સા’માં કરવી જોઇએ

(યજ્ઞેશ આચાર્ય)ભાવનગર તા.૨૩ : લગભગ ૧૯૬૭-૬૮માં ’સ્કૂલમાં હતો ત્યારે તળ ભાવનગરના જુદા જુદા વિસ્તારોમાં સાત આઠ સેવા ભાવી વડીલો મંજીરા અને કાંસી ઝોડા સાથે પ્રભાત ફેરીએ નીકળતા અને ગાતા ’શું માયાને વળગ્યો રે,તારે એક દિન મરવું રે, સગપણ સાચું શા નું ભાઇ’. મારા પિતાશ્રી સાથે એકવાર હું પણ ગયેલો. લોકો યથાશક્તિ આ વડીલોને રુપિયા આપે. કુતૂહુલવશ મેં પૂછેલું કે લોકો શા માટે પૈસા આપે છે ત્યારે કહેલું કે સ્મશાનમાં આવતા મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે કોઇ પાસેથી પૈસા ના માંગવા ના પડે તે માટે આ ફાળો એકત્ર કરવામાં આવે છે.
એ વરસોમાં શામળશા શેઠની પેઢીએ એક પ્રણાલિકા સ્થાપી હતી કે પરિજનોના અગ્ની સંસ્કાર માટે ખાંપણ (અગ્નીદાહ માટે વપરાતા લાકડા) લેવા આવનાર અને અગ્નિ સંસ્કાર કરાતા મૃતદેહ પેટે કોઇ રકમ લેવાતી નહી પરંતુ આપવા ઇચ્છતા લોકોને આંબાચોકમાં આવેલી પેઢીની કચેરીમાં આપવા જણાવાતું. આ વ્યવસ્થાના કારણે મૃત્યુ પામનારના સ્વજનોની આબરુ સચવાઇ જતી.
દાયકાઓ સુધી આ પ્રણાલી રહી. પરંતુ ત્યારબાદ પર્યાવરણ અને જંગલોને કાપતા બચાવવાના ધ્યેયથી એ વેળા ભાવનગરના કુંભારવાડામાં આવેલ સ્મશાનનું ગેસીફિકેશન પ્રક્રીયામાં રુપાંતર કરવા શહેરના શ્રેષ્ઠીઓએ નિર્ણય કરી તે માટે સ્થાનિક નાગરિકો, ભાવનગર મહાપાલિકા, બેંકો સમક્ષ ટહેલ નાંખી હતી. ભાવનગરના અદના આદમીથી લઇ સંપ્પન લોકોએ આ ટહેલને જબ્બર પ્રતિસાદ આપી ટહેલનો ટોપલો છલકાવી દીધો. અંદાજે રુ.૩૦ લાખથી વધુ રકમ એકત્ર થઇ હતી. એ વખતે નાનો મોટો ફાળો આપવામાં ભાવનગરનું કદાચ કોઇ ઘર બાકી નહોતું. માનવીય સેવા પ્રવૃત્તિની બાબતો માટે સજાગ રહેતા પત્રકાર મિત્ર દધીચી મહેતાએ હાલની નિર્વાણ તિર્થની દયનીય દશા વર્ણવતો લેખ શેર કર્યો છે.
નિર્વાણ તિર્થનું સંચાલન કરવા ટ્રસ્ટની રચના કરી હતી. તેના ટ્રસ્ટીઓમાં સ્વ.પ્રતાપભાઇ શાહ, ડો.કે.આર.દોશી, મહેશભાઇ પારેખ,. ભાવનગર મર્કન્ટાઇલ બેંકના તે સમયના કર્તવ્યનિષ્ઠ ચેરમેન કનુભાઇ પંડ્યા વગેરે હતા. આ રકમમાંથી બે ભઠ્ઠીઓના ગેસીફિકેશન સંબંધી ખર્ચ કરી બાકી બચેલા નાણાનો નિભાવ ખર્ચ નીકળી શકે તે માટે વધુ વ્યાજની સ્થાયી આવક મેળવવાના હેતુથી બચેલી રકમની ભાવનગર મર્કન્ટાઇલ બેંકમાં ફિકસ ડિપોઝીટ કરાવી હતી. કમનશીબે એક પછી એક ટ્રસ્ટીઓની વિદાય અને અધુરામાં પુરું ભાવનગર મર્કન્ટાઇલ બેંક ફડચામાં જતાં નિર્વાણ તીર્થના નાણા ડૂબી ગયા. સાંપ્રત સ્થિતિમાં વિકટ બનેલી કોમર્સિઅલ ગેસના પુરવઠા અને ભાવની સ્થિતિએ નિર્વાણ તીર્થને સ્વયંમ નિર્વાણની શૈયા ઉપર લાવી દીધી છે. નિર્વાણ ભૂમિને સોહામણી બનાવવા સરસ વૃક્ષારોપણ અને પાણી સહીતની વ્યવસ્થાઓથી સજાવવામાં આવ્યું હતું.
મૂળ ટ્રસ્ટીઓની વિદાય બાદ અખૂટ સમર્પિત કર્મઠ સેવાભાવથી વરેલા ગુણીજનોથી ભાવસિંહજી અને કૃષ્ણની વસુંધરા સભર છે. નવા ટ્રસ્ટીઓએ યત્કિંચિત પ્રયાસોથી તેઓ મહા મહેનતે નિર્વાણ તીર્થનું સંચાલન કરી રહ્યા છે. ખર્ચને પહોંચી વળવા અંતિમ સંસ્કારની વિધીની રકમ કમને રુ.૫૦૦ વધારી રુ.૧૫૦૦ કરવામાં આવી છે. નિર્વાણ તીર્થના ટ્રસ્ટી શ્રી ડો. મનસુખભાઇ કાનાણીએ વ્યથિત ભાવથી કહ્યું હતું કે સંસ્કાર નગર ભાવનગર સમક્ષ માનવદેહના અંતિમ પડાવને ખંડેર થતો અટકાવવાનો પડકાર ઉભો થયો છે.
નશ્વર માનવીની આખરી શૈયા ’નિર્વાણ તીર્થ’માં ગેસ ઉપર રાજયના કર માફ કરવાની આજીજી ફાઇલોમાં અટવાઇ છે, ભાવનગર મહાનગરપાલિકા અને કેન્દ્ર અને રાજ્ય સરકારના આદરણિય પદાધિકારીઓને પોતાના ક્ષેત્રોના વિકાસ માટે ફાળવાતા લાખો રુપિયાના અનુદાન સંબંધી નિયમોમાં પરમધામ, સ્મશાનગૃહ કે નિર્વાણ તીર્થ જેવા પૂણ્યના સાર્વજનિક પરબોના હેતુ માટે જો જોગવાઇ ના હોય તો ’ખાસ કિસ્સા’માં કરવી જોઇએ. મોંઘવારીનો બોજ ચેતનવંત માનવજાત અને નિશ્ચેતન નિર્વાણ તીર્થને અકલ્પનીય સ્થિતિએ સ્પર્શી ગયો છે. આ સ્થિતિમાં ડો.મનસુખભાઇ કાનાણીનો અંતરમનનો વસવસો છે કે કોઇ સાંભળતું નથી, મદદ કરતું નથી.’ જોગાનુજોગ આજે ૧૯મી મે, સમર્પણ, ત્યાગ અને મારી પ્રજાની સેવાને પ્રાથમિકતાને આજીવન વરેલા દંતકથારુપ આપણા નેક નામદાર મહારાજા સર કૃષ્ણકુમાર સિંહજીની જન્મ તિથીના અવસરે તેમની જ પ્રજા સમક્ષ નિર્વાણ તીર્થના અસ્તિત્વ સામે ઉભા થયેલા પડકારના વિકલ્પોની વાત કરી છે. આજે એ વાત પણ ઉલ્લેખવી છે.’મહારાષ્ટ્ર સ્ટીલ ટ્યુબના માલિક અને પૂણ્યના કામમાં ભીખ માંગતા ક્યારેય શરમ નહી અનુવતા સ્વ.મિત્ર મહેશભાઇ પારેખે રામ મંદિર ટ્રસ્ટના નેજા હેઠળ માત્ર દવાખાનું શરુ કરવાનો ઇરાદો વ્યકત કર્યો ત્યારે ’ટેક હોમ’ના માલિક મારા એક ઓલિયા સ્વજન સ્વ.તનસુખભાઇ શાહ સાથે અડધી સદી પહેલા ’સૌરાષ્ટ્ર સમાચાર’ માં ઔપચારિક ચર્ચા કરી ત્યારે તનસુખભાઇએ કહેલું કે વ્યવસ્થા ઉભી તો થઇ જશે પરંતુ તેને નિભાવણી પડકારરુપ છે’ મહેશભાઇએ કહેલું કે આ નગરમાં સર્જનના સંસ્કાર ગળથૂંથીમાં છે તો તેના અસ્તિત્વને ઉજળા કરી દેવાનો તેનો સ્વભાવ છે. આ બન્ને મિત્રોની ગેરહાજરીમાં રામ મંત્ર મંદિરનું દવાખાનું આધુનિક તબીબી ઉપકરણો અને સેવાથી મઘમધે છે અને શહેર બહારના દૂરસુદૂરના વસવાટીઓ માટે આશીર્વાદ અને શ્રધ્ધાનું મંદિર બની રહ્યું છે. નિર્વાણ તીર્થને પણ આ નગર બચાવશે તેવો ભરોસો છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
