<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

કચ્‍છમાં ગેરકાયદેસર આર્મી યુનિફોર્મનું વેંચાણ કરતી દુકાનો પર દરોડા

મિલિટરી ઇન્‍ટેલિજન્‍સ અને ભુજ બી-ડિવિઝન પોલીસની સંયુક્‍ત કાર્યવાહીઃ ૧૨૮ મીટર ફેબ્રિક સહિત ૫૦ જોડી કોમ્‍બેટ ડ્રેસ, ૨૮૦ કેપ અને ૩૬ કોટ-જેકેટ કબજે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬: સંવેદનશીલ સરહદી જિલ્લા કચ્‍છમાં રાષ્‍ટ્રીય સુરક્ષા અને કાયદો-વ્‍યવસ્‍થા સાથે સંકળાયેલી ગંભીર બાબત સામે આવી છે. મિલિટરી ઇન્‍ટેલિજન્‍સ (ભુજ) અને ભુજ બી-ડિવિઝન પોલીસે સંયુક્‍ત કાર્યવાહી હાથ ધરી ભુજના આર.ટી.ઓ. સર્કલ નજીક આવેલા ‘ઢાકા આર્મી નજરલ સ્‍ટોર' તથા માધાપરના ઓધવ ઈશ્વરનગર વિસ્‍તારમાં આવેલા ‘રાઘવ આર્મી એન્‍ડ સ્‍પોર્ટ સ્‍ટોર' પર દરોડો પાડ્‍યો હતો.

મિલિટરી ઇન્‍ટેલિજન્‍સને મળેલી ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી કાર્યવાહીમાં ભારતીય સેનાના જવાનો દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત કોમ્‍બેટ યુનિફોર્મનું કાપડ અને ડ્રેસ મટીરિયલ ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી બહાર મોકલવાની તૈયારી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. દરોડા દરમિયાન પોલીસે આશરે ૧૨૮ મીટર ભારતીય આર્મીના કોમ્‍બેટ યુનિફોર્મનું ફેબ્રિક, જેમાં ૮૦ મીટર અને ૪૮ મીટરના બે જથ્‍થા, ઉપરાંત ૫૦ જોડી કોમ્‍બેટ ડ્રેસ, ૨૮૦ નંગ કેપ તથા ૩૬ નંગ કોટ-જેકેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્‍યું છે.

આ મામલે પોલીસે નથુસિંહ ઈશ્વરમ ઢાકા (રહે. ભોજસર, સીકર, રાજસ્‍થાન), કાનજી તેજા મહેશ્વરી (રહે. ભુજ) તથા દુકાનમાલિક તારાચંદ રામકુમાર શિવરાન સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હેડ કોન્‍સ્‍ટેબલ વિક્રમસિંહ લક્ષ્મણસિંહ પરમારની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય સેનાના નવા કોમ્‍બેટ યુનિફોર્મની પેટર્ન અને તેના મટીરિયલના ખુલ્લા બજારમાં વેચાણ, ખરીદી કે સંગ્રહ અંગે પ્રતિબંધો લાગુ કરવામાં આવ્‍યા છે. સુરક્ષા દળોના ગણવેશનો અસામાજિક અથવા શંકાસ્‍પદ તત્‍વો દ્વારા દુરુપયોગ ન થાય તે માટે આવા મટીરિયલના ગેરકાયદેસર વેચાણ સામે સુરક્ષા એજન્‍સીઓ સતર્ક રહે છે.

કચ્‍છ પાકિસ્‍તાન સાથેની સંવેદનશીલ આંતરરાષ્‍ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો હોવાથી સુરક્ષા દળોના ગણવેશ કે તેની પેટર્નના ગેરકાયદેસર ઉપયોગનો મુદ્દો વધુ ગંભીર બની શકે છે.  આથી મિલિટરી ઇન્‍ટેલિજન્‍સ અને સ્‍થાનિક પોલીસની સંયુક્‍ત કાર્યવાહીને મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહી છે.

 પ્રાથમિક તપાસમાં વેપારના હેતુસર પ્રતિબંધિત મટીરિયલના સંગ્રહ અને હેરફેરની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી છે. જોકે, આ સમગ્ર મામલે કાપડ કયાંથી મેળવવામાં આવ્‍યું હતું, કોને મોકલવાનું હતું અને તેની પાછળ અન્‍ય કોઈ વ્‍યક્‍તિ કે નેટવર્ક સંકળાયેલું છે કે કેમ તે સહિતના મુદ્દાઓ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે

(11:21 AM IST)