<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પ્રેરિત 'શ્રવણ તીર્થ સોમનાથ યાત્રા' સંપન્ન: 41 બસના કાફલા સાથે 2100 થી વધુ ભાવનગરવાસીઓએ કર્યા સોમનાથ મહાદેવના દર્શન

વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજપૂજા અને ધ્વજારોહણથી ગુંજ્યું સોમનાથ પરિસર, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સોમનાથ બન્યું વૈશ્વિક ચેતનાનું કેન્દ્ર: જીતુભાઈ વાઘાણી

ગીર સોમનાથ તા.૨૨ : રાજ્ય સરકારની 'શ્રવણ તીર્થ દર્શન યોજના' અંતર્ગત કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીની આગેવાની અને પ્રેરણાથી આયોજિત 'શ્રવણ તીર્થ સોમનાથ યાત્રા' ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ છે. ભાવનગરના 2100 થી વધુ ભાઈઓ અને બહેનોએ આ યાત્રામાં જોડાઈ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના શ્રદ્ધાપૂર્વક દર્શન કર્યા હતા.

સોમનાથ મંદિર પરિસરમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિધિવત ધ્વજપૂજા કરી હતી. ત્યારબાદ યાત્રીઓના 'જય સોમનાથ'ના ગગનભેદી નાદ વચ્ચે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. 2100 શ્રદ્ધાળુઓના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર આધ્યાત્મિક ઉર્જાથી ભરાઈ ગયું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, "સોમનાથ મંદિર એ ભારતની આસ્થા અને સ્વાભિમાનનું પ્રતીક છે. અનેક આક્રાંતાઓના આક્રમણો છતાં સોમનાથની અસ્મિતા અડગ રહી છે."

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ 'સોમનાથ સ્વાભિમાન પર્વ' જેવા ભવ્ય આયોજનથી સોમનાથને વૈશ્વિક ઓળખ મળી છે અને તે સાંસ્કૃતિક ચેતનાનું આધ્યાત્મિક કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનું જતન થઈ રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં એક કરોડથી વધુ લોકોએ સોમનાથના દર્શન કર્યા છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની 'શ્રવણ તીર્થ યોજના' હેઠળ 41 બસના વિશાળ કાફલા સાથે શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચ્યા હતા. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોને ગુજરાતના પવિત્ર ધામોની યાત્રા કરાવવાનો અને તેમનો આર્થિક બોજ ઘટાડવાનો છે.

આ યાત્રા દરમિયાન યાત્રિકોએ પૂજા-અર્ચના અને ધ્વજારોહણમાં સહભાગી બની ધન્યતા અનુભવી હતી અને ભગવાન સોમનાથના આશીર્વાદથી વિશ્વ કલ્યાણની કામના કરી હતી.

આ ધાર્મિક અવસરે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારકાદાસ દોમડિયા, કોડીનાર નગરપાલિકા ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, ડો. સંજયભાઈ પરમાર, કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, પ્રાંત અધિકારી જે.વી. કાકડિયા સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:18 PM IST)