તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 3rd September 2026
દ્વારકામાં શ્રી દ્વારકાધીશ મંદિરે શ્રી કૃષ્ણ જન્મોત્સવને વધાવવા રોશનીનો ઝળહળાટ
તંત્ર દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિવિધ વ્યવસ્થા : કાલે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા. ૩ : શ્રીકૃષ્ણ જન્મોત્સવને હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પર૫૩માં જન્મોત્સવને વધાવવા લાખો શ્રધ્ધાળુઓ દ્વારકા આવવા અપેક્ષિત હોય તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે વિવિધ વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઈ રહયો છે. દ્વારકાધીશ જગતમંદિરને પણ દર વર્ષની જેમ કલાત્મક લાઈટીંગથી સુશોભિત કરવામાં આવ્યું છે. જન્મોત્સવ દર્શન માટે યાત્રીકોને છપ્પન સીડી તરફના સ્વર્ગ દ્વારેથી એન્ટ્રી તથા મંદિર ચોક તરફના મોક્ષ દ્વારેથી નિકાસની વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
૨૦૦૦થી વધુ પોલીસકર્મીઓનો સઘન બંદોબસ્ત
જન્માષ્ટમી પર્વે યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકાના પ્રમુખ માર્ગો તેમજ જગતમંદિરની સુરક્ષા કાજે તથા નાગેશ્વર જયોર્તિલિંગ સહિતના સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવનાર છે. જેમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત ૧૨૫ જેટલા અધિકારીગણ તેમજ જીઆરડી એસઆરબી ટીઆરબીના જવાનો સહિત કુલ ૨૦૦૦ થી વધુ પોલીસકર્મી ફરજ નિભાવશે. એલ.સી.બી. એસ.ઓ.જી. અને કયુ.આર.ટી.ની ટીમો, શી-ટીમ સહિત હેલ્પડેસ્ક, હેલ્થ વિભાગની ટીમ પણ કાર્યરત રહેશે. આ ઉપરાંત ડ્રોન કેમેરા તેમજ સી.સી.ટી.વી. મોનીટરીંગની પણ વ્યવસ્થા એસ.પી. જયરાજસિંહ વાળાના માર્ગદર્શનમાં ડીવાય.એસ.પી.ની દેખરેખમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શહેરમાં ટ્રાફીક વ્યવસ્થા
સુદૃઢ બનાવાઈ
યાત્રાધામની મુલાકાતે આવતા યાત્રીકો માટે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના અને માર્ગદશનથી ઠેર ઠેર ચેકપોસ્ટ કાર્યરત છે જયાં દ્વારકા તરફ આવતાં વાહનોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત શહેરમાં ટ્રાફીક અંગેના જાહેરનામા અંગે બંદોબસ્ત વધારી બેરીકેટીંગ કરી ટ્રાફીક શાખાના મુખ્ય અધિકારીના માર્ગદર્શનમાં ટ્રાફીક શાખાના જવાનો ચુસ્તતાપૂર્ણ કામગીરી દાખવી રહયા છે.
યાત્રીકોને સરળતાથી દર્શન હેતુ એલ.ઈ.ડી. સ્ક્રીન
જન્માષ્ટમી પર્વે લાખો શ્રધ્ધાળુઓ દ્વારકા આવતાં હોય તંત્ર દ્વારા યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે માટે વિવિધ વ્યવસ્થાઓના ભાગરૂપે શહેરમાં એલ.ઈ.ડી. સ્ક્રીનો પણ લગાવવામાં આવી છે. જેના વિશાળ પડદામાં દૂરથી પણ યાત્રીકોને જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન સતત ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે.
હોટલઃ ગેસ્ટહાઉસમાં વ્યાપક બુકીંગ
યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમી પર્વે આવતાં ભાવિકોમાં વ્યાપક વધારો જોવા મળ્યો હોય તેમ હાલમાં પણ વ્યાપક પ્રમાણમાં હોટલ ગેસ્ટહાઉસમાં બુકીંગ જોવા મળી રહયું છે. હજુ આગામી બે દિવસમાં યાત્રાળુઓનો પ્રવાસ સતત વધતો જશે તેઓ આશાવાદ હોટલ માલીકો તથા વેપારીવર્ગ રાખી રહયો છે.
દ્વારકાના મહત્ત્વના
સ્થળોને ડેકોરેટ કરાયા
જગતમંદિરમાં બહુરંગીય ફોકસ લાઈટીંગથી સુશોભન કરાયું હોય આશરે દસ કિમી દૂરથી જગતમંદિર બહુરંગીય કલાત્મક રોશનીથી ઝળહળતું દ્રશ્યમાન થાય છે જયારે દ્વારકાના શારદામઠ, દ્વારાવતી હાથી ગેઈટ, જગતમંદિરને ચોરતથી જોડતા રસ્તાઓ પણ ડેકોરેટ કરવામાં આવ્યા છે.
વેસ્ટર્ન રેલવે દ્વારા અનરીઝર્વડ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેનો : એસ.ટી. દ્વારા વધુ બસો દોડાવાશે
જન્માષ્ટમી પર્વને વધાવવા દેશભરમાંથી દર વર્ષે ભાવિકો દ્વારકા આવતાં હોય આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વે લાખો ભાવિકો યાત્રાાધામમાં પધારે તેવી સંભાવના જોતાં રેલવે વિભાગ દ્વારા યાત્રીકોના ઘસારાને પહોંચી વળવા અનરીઝર્વડ ફેસ્ટીવલ સ્પેશ્યલ ટ્રેઇનો પણ દોડાવવામાં આવનાર છે. આ ઉપરાંત એસ.ટી. વિભાગ દ્વારા પણ તહેવારોને અનુલક્ષીને ચોકકસ રૂટો પર વધારાની બસો દોડાવવામાં આવનાર છે.
પાલીકા કુડ શાખા દ્વારા ચેકીંગ
જગતમંદિરને સાંકળતાં પ્રમુખ રસ્તાઓ ઉપરાંત વ્યાપક વરસાદમાં ધોવાયેલા શહેરના પ્રમુખ રસ્તાઓને સાફસફાઈ સહિત યાત્રીકોની સુવિધાઓ ભી કરાઈ છે. આ ઉપરાંત સ્વચ્છતાલક્ષી પગલાઓ, નગરપાલીકાની ફુડ શાખા દ્વારા પણ હોટલ : રેસ્ટોરાં, ખાણીપીણીની દુકાનો : લારીઓનું ચેકીંગ કાર્ય હાથ ધરાયું છે અને અખાદ્ય જથ્થાઓનો નાશ કરાઈ રહયો છે. આ ઉપરાંત યાત્રીકોની સુવિધા માટે જગતમંદિરની બહાર આરોગ્ય કેન્દ્ર પણ શરૂ કરી દેવાયું છે.
શિવરાજપુર બીચે વધશે ટ્રાફીક
દ્વારકા ઉપરાંત દ્વારકા દર્શન સર્કિટના નાગેશ્વર જયોર્તિલિંગ, રૂક્ષ્મણી મંદિર, બેટ દ્વારકા, ગોપી તળાવ જેવા તીર્થસ્થાનો ઉપરાંત શિવરાજપુર બીચ, મોમાઈ બીચ, દ્વારકાનો ભડકેશ્વર બીચ, પંચકુઈ બીચ તથા સંગમનારાયણ ચોપાટી પાસે પણ સહેલાણીઓનો તથા પ્રવાસીઓનો ટ્રાફીક વધશે તેવું જણાઈ રહયુ છે.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
