<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ મગની આવકના શ્રી ગણેશઃ એક મણનો મળ્‍યો રૂા. ૨૩૧૧નો ભાવ

દ્વારકાના મીઠાપુર ગામના ખેડૂત દેવજીભાઈ કણજારીયા લાવ્‍યા પ્રથમ આવક, યાર્ડ ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાએ વધાવ્‍યા; આગામી દિવસોમાં આવક વધવાની આશા

ગોંડલ, તા.,૧૭ : સૌરાષ્‍ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ સિઝનના મગની આવકના શ્રી ગણેશ થયા છે.

યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાએ જણાવ્‍યું કે દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામના ખેડૂત દેવજીભાઈ કણજારીયા દ્વારા ૨૦ મણથી વધુ મગ વેચાણ માટે લાવવામાં આવ્‍યા હતા.

ઉનાળુ મગની પ્રથમ આવકને યાર્ડમાં ઉત્તમ પ્રતિસાદ મળ્‍યો હતો. ખેડૂત દેવજીભાઈના મગને પ્રતિ ૨૦ કિલોગ્રામ રૂ. ૨૩૧૧ જેટલો સારો ભાવ મળ્‍યો હતો.

સિઝનની શરૂઆતમાં જ સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્‍યો હતો.

યાર્ડ ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયાએ જણાવ્‍યું કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગની આવકના પ્રારંભ સાથે જ આવનારા દિવસોમાં વધુ પ્રમાણમાં આવક વધવાની શકયતા છે.

યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ સાથે તોલમાપ, ઉતાર-ચડાવ અને પેમેન્‍ટ સહિતની તમામ જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.ખેડૂતોને પોતાની જણસી વેચવા માટે પ્રથમ પસંદગી ગોંડલ માર્કેટિંગ યાર્ડ બની રહ્યું છે.

યાર્ડ મેનેજમેન્‍ટ દ્વારા ખેડૂતલક્ષી વ્‍યવસ્‍થાને કારણે આસપાસના જિલ્લાઓમાંથી પણ મોટા પ્રમાણમાં જણસીની આવક થવાની આશા વ્‍યક્‍ત કરાઈ રહી છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

 

(11:46 AM IST)