<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે નૂતન વર્ષે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું દિવ્ય આયોજન : શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને કથા યોજાશે

તા. ૧૧ નવેમ્બરે ભાઈબીજના પવિત્ર દિવસે પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ થશે : રાસ-ગરબા, સંતવાણી અને સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે તા. ૧૭ નવેમ્બરે થશે કથા વિરામ

જાળિયા: ગોહિલવાડ પંથકમાં ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક ચેતનાના કેન્દ્ર સમાન શ્રી શિવકુંજ આશ્રમ જાળિયા ખાતે નૂતન વર્ષ નિમિત્તે દિવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક ઉપક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી વિશ્વાનંદ માતાજીના પાવન વ્યાસાસને યોજાનાર શ્રીમદ્ ભાગવત ભાગીરથી જ્ઞાનયજ્ઞ કથામૃતનો લાભ ભાવિક ભક્તોને સાંપડશે.

ભાઈબીજે નીકળશે ભવ્ય પોથીયાત્રા:
શ્રી શિવકુંજ આશ્રમ સેવા સમિતિના સંકલન હેઠળ આયોજિત આ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ નૂતન વર્ષના ભાઈબીજ પર્વે એટલે કે બુધવાર, તા. ૧૧ નવેમ્બર ૨૦૨૬ના રોજ ભવ્ય પોથીયાત્રા સાથે થશે. કથા દરમિયાન દરરોજ ધાર્મિક આયોજનોની સાથે સાથે રાસ-ગરબા, સંતવાણી અને સંતગાથા સહિતના અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. કથાનું રસપાન કરાવીને તા. ૧૭ નવેમ્બર ૨૦૨૬, મંગળવારના રોજ કથાનો વિરામ થશે.

સંતો-મહંતો અને મહાનુભાવોની રહેશે વિશેષ ઉપસ્થિતિ:
જાળિયા જેવા નાનકડા ગામમાં આકાર લઈ રહેલા આ દિવ્ય આયોજનમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વિદ્વાનો, સંતો અને મહંતો વિશેષરૂપે હાજરી આપશે. શ્રી વિશ્વાનંદ માતાજીના નેતૃત્વમાં યોજાઈ રહેલા આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા માટે આશ્રમ પરિવારના કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને ગ્રામજનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ દિવ્ય કથામૃત રસપાન તથા ધાર્મિક કાર્યક્રમોનો લાભ લેવા શિવકુંજ આશ્રમ પરિવાર દ્વારા તમામ ભાવિક ભક્તોને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(8:23 PM IST)