તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
જેતપુરના સેલુકા અને ઉમરાળી ગામે આવેલ બીએસએનએલના ટેલિફોન એક્સચેન્જ રૂમના શટરના નકૂચા તોડી રૂ. ૨૬ હજારથી વધુની મતાની ચોરી
સેલુકામાંથી રૂ. ૧૮,૭૦૦ અને ઉમરાળીમાંથી રૂ. ૭,૮૦૦ના મુદામાલની ચોરી અંગે બીએસએનએલના સબ ડિવિઝન એન્જિનિયર અયોધ્યાપ્રસાદ સોનીએ વીરપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

કેતન ઓઝા દ્વારા, જેતપુર: જેતપુર તાલુકાના સેલુકા અને ઉમરાળી ગામે આવેલ બીએસએનએલ (BSNL)ના ટેલિફોન એક્સચેન્જ રૂમોને નિશાન બનાવી તસ્કરો શટરના નકૂચા તોડી કુલ રૂ. ૨૬,૫૦૦ની મતાની ચોરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે વીરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, સેલુકા ગામે આવેલ ટેલિફોન એક્સચેન્જના રૂમના શટરના નકૂચા તોડી ચોરી થઈ હોવાની જાણ ગ્રામ પંચાયતના સરપંચ મનીષભાઈએ બીએસએનએલના સબ ડિવિઝન એન્જિનિયર અયોધ્યાપ્રસાદ દ્વારકાપ્રસાદ સોનીને કરી હતી. જાણ થતાં જ અયોધ્યાપ્રસાદ સોનીએ સેલુકા પહોંચી એક્સચેન્જ રૂમમાં તપાસ કરતાં શટરનો નકૂચો તૂટેલો જણાયો હતો. રૂમની અંદર તપાસ કરતાં જનરેટરના અલ્ટરનેટર પાર્ટ (જેમાં ૧૦ કિલો કોપર તથા ૩૦ કિલો લોખંડ) તેમજ રૂમમાંથી ટાવરમાં જતો ૧૨૦ ફૂટનો આરએફ કેબલ (કોપર વાયર) મળી કુલ રૂ. ૧૮,૭૦૦ની મતાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત, ઉમરાળી ગામે પણ ટેલિફોન એક્સચેન્જના રૂમના શટરના નકૂચા તૂટ્યા હોવાની માહિતી મળતાં ત્યાં જઈને તપાસ કરવામાં આવી હતી. જ્યા વિન્ડો એસી અને રૂમથી મોબાઈલ ટાવર સુધીનો ૩૬ ફૂટનો કોપર વાયર મળી કુલ રૂ. ૭,૮૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું ખૂલ્યું હતું. આમ, બંને સ્થળોએથી કુલ રૂ. ૨૬,૫૦૦ના સામાનની ચોરી થતાં બીએસએનએલના સબ ડિવિઝન એન્જિનિયર અયોધ્યાપ્રસાદ દ્વારકાપ્રસાદ સોની દ્વારા વીરપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
