News of Tuesday, 26th May 2026
કૌટુંબિક માનસિક ત્રાસથી કંટાળી બે મહિનાથી રસ્તા પર ભટકતી બહેનને જામનગર ૧૮૧ મહિલા હેલ્પલાઇને અપાવ્યું સુરક્ષિત આશ્રય
મોટા ભાઈના અસહ્ય અત્યાચારથી ઘર છોડવા મજબૂર બનેલી પીડિત બહેનની વહારે આવી અભયમ ટીમ: સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ બાદ નિરાધાર બહેનને ‘સખી વન સ્ટોપ સેન્ટર’ ખાતે આશ્રય અપાયો

જામનગર જિલ્લામાં કૌટુંબિક ત્રાસના કારણે નિરાધાર બનેલી એક મહિલા માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ઘરના સભ્યોના અસહ્ય માનસિક અત્યાચારથી કંટાળી છેલ્લા બે મહિનાથી રસ્તા પર રઝળપાટ કરવા મજબૂર બનેલી એક બહેનને ૧૮૧ની ટીમે ત્વરિત રેસ્ક્યૂ કરી સુરક્ષિત આશ્રય સ્થાન પૂરું પાડ્યું છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, જામનગર શહેરમાં એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને માહિતી આપવામાં આવી હતી કે, એક નિરાધાર બહેન છેલ્લા ઘણા સમયથી અત્યંત દયનીય અને અસુરક્ષિત સ્થિતિમાં રસ્તા પર રહેવા મજબૂર બન્યા છે. આ માહિતી મળતા જ માનવતા અને કાનૂની ફરજના ભાગરૂપે જામનગર ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જેમાં કાઉન્સેલર ઈશિતા પરમાર, મહિલા કોન્સ્ટેબલ તારાબેન ચૌહાણ અને પાયલોટ રામજીભાઈ સિયાર દ્વારા ત્વરિત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
૧૮૧ની ટીમે સ્થળ પર પહોંચીને સૌપ્રથમ ત્રાહિત વ્યક્તિ અને ત્યારબાદ પીડિત મહિલાનું સહાનુભૂતિપૂર્વક કાઉન્સેલિંગ કર્યું હતું. પ્રાથમિક પૂછપરછ અને કાઉન્સેલિંગ દરમિયાન પીડિત બહેને રડતી આંખે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ પોતાના નાના ભાઈ સાથે રહેતા હતા. પરંતુ, તેમના મોટા ભાઈ દ્વારા માતા-પિતાના ઘર અને મિલકત બાબતે અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મોટા ભાઈના સતત અપમાનજનક વર્તન, દબાણ અને પરિવારજનોના અસહ્ય માનસિક અત્યાચારથી કંટાળીને તેઓ ઘર છોડવા મજબૂર બન્યા હતા.
છેલ્લા આશરે બે મહિનાથી આ બહેન રહેવા, ખાવા કે સુરક્ષાની કોઈ પણ વ્યવસ્થા વિના રસ્તા પર જ રાત-દિવસ વિતાવતા હતા. તેમની સ્થિતિ અત્યંત અસુરક્ષિત હતી અને તેઓ માનસિક આઘાતના કારણે પોતાના પરિવાર પાસે ફરી પાછા જવા માંગતા ન હતા.
મહિલાની આ ગંભીર અને સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાને લઈ, ૧૮૧ની ટીમે તાકીદે નિર્ણય લીધો હતો. બહેનને તાત્કાલિક કાનૂની સંરક્ષણ અને રહેઠાણ મળી રહે તે હેતુથી જામનગર સ્થિત 'સખી વન સ્ટોપ સેન્ટર' ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને સુરક્ષિત આશ્રય અપાવી જરૂરી કાઉન્સેલિંગ અને તબીબી તેમજ કાનૂની સહાયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. કપરા સમયમાં સમયસર વહારે આવીને માનસિક ત્રાસમાંથી મુક્તિ અપાવવા બદલ પીડિત બહેને ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
