<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

કોડીનારના ધર્માંતરણના પ્રયાસ પ્રકરણમાં SITની એન્‍ટ્રીઃ ત્રણ આરોપીઓના પાંચ દિવસના રિમાન્‍ડ મંજૂર

બે સગીરાઓને ઉનાવા લઈ જઈ ધર્મપરિવર્તન અને લગ્ન કરાવવાની પેરવી થયાનો પોલીસનો આક્ષેપઃ ૧૪ દિવસના રિમાન્‍ડની માંગ સામે કોર્ટે આપ્‍યા પાંચ દિવસ, ગૃહમંત્રી અને જિલ્લા પોલીસવડાએ મેળવી સીધી માહિતી

(અશોક પાઠક દ્વારા) કોડીનાર, તા. ૩ ૧: ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં બે સગીરાઓના ધર્માંતરણ ની પેરવી અને તેમાંથી એકના લગ્ન કરાવવાના પ્રયાસનો મામલો હવે વધુ ગંભીર બન્‍યો છે. આ પ્રકરણમાં ધરપકડ કરવામાં આવેલા ત્રણ પુખ્‍ત આરોપીઓને પોલીસે ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના પોલીસ રિમાન્‍ડની માંગણી કરી હતી, જોકે નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા છે. બીજી તરફ, સમગ્ર મામલાની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને રાજ્‍યના ગળહમંત્રી તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ પણ સીધી માહિતી મેળવી છે. પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ માટે DYSP ચૌધરીના વડપણ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે.

સમગ્ર ઘટનાની શરૂઆત તા. ૨૪ ઓક્‍ટોબર, ૨૦૨૬ના રોજ થઈ હતી. સાંજના સમયે એક મહિલા દ્વારા પોતાની સગીર પુત્રી ગુમ થયાની કોડીનાર પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સગીરા શાળાએ ગયા બાદ ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્‍યા હતા. ફરિયાદની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને કોડીનાર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન.વી.હરિયાણી અને તેની ટીમે તાત્‍કાલિક તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્‍તારોના CCTV ફૂટેજ તપાસ્‍યા હતા તેમજ ટેકનિકલ સ્‍ટાફની મદદથી મોબાઇલ લોકેશનની તપાસ હાથ ધરી હતી. જેમાં એક સગીરા પાસે રહેલા મોબાઇલનું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા તરફ મળ્‍યું હતું.આ આધારે કોડીનાર પોલીસની ટીમ તાત્‍કાલિક ઉનાવા પહોંચી હતી અને સ્‍થાનિક પોલીસની મદદથી દાતારબાપુની દરગાહ પાસેથી બંને સગીરાઓને હેમખેમ શોધી કાઢી હતી. ત્‍યારબાદ બંનેને કોડીનાર લાવવામાં આવી હતી.બંને સગીરાઓને કોડીનાર લાવ્‍યા બાદ મહિલા પોલીસ દ્વારા તેમનું કાઉન્‍સેલિંગ અને પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સગીરાઓને બુરખો પહેરાવવા, નામ બદલાવવા તેમજ મોબાઇલનાં સિમકાર્ડ તોડી નાખવા જેવી બાબતો સામે આવી હતી. પોલીસના જણાવ્‍યા મુજબ, બંને સગીરાઓને ઉનાવા લઈ જઈ ધર્મ પરિવર્તન કરાવવાની અને તેમાંથી એક સગીરાના એક યુવક સાથે લગ્ન કરાવવાની પેરવી કરવામાં આવી રહી હોવાની વિગતો તપાસમાં સામે આવી હતી.

સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કોર્ટ કાર્યવાહી અંગે આપેલી વિગતો મુજબ, એક સગીરાને તેની સાથે રહેલી અન્‍ય સગીરા મારફતે મામા હોવાનું જણાવી એક વ્‍યક્‍તિના ઘરે લઈ જવામાં આવી હતી. ત્‍યાં તેને બુરખો પહેરાવી મજારો પર લઈ જવામાં આવી હતી અને ત્‍યારબાદ મહેસાણાના ઉનાવા ખાતે ધાર્મિક સ્‍થળે લઈ જઈ મુસ્‍લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ તથા બ્રેઇનવોશ કરવામાં આવ્‍યું હોવાનો પોલીસનો આક્ષેપ છે.આ સમગ્ર પ્રકરણમાં કોડીનાર પોલીસે કુલ ચાર વ્‍યક્‍તિઓ સામે ગુનો નોંધ્‍યો છે. તેમાં કોડીનારના અબ્‍દુલ હાજી સંધી, સાકીર ઉર્ફે બબલી અલ્‍તાફભાઈ પઠાણ (રહે. ઉનાવા, હાલ સુરત), ઉનાવાના દરગાહના મૌલવી આસીફ કવાલી ઉર્ફે મરાઠી તથા ધોરાજીના નીશાદ કાજીનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આ ચાર પૈકી ત્રણ પુખ્‍ત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્‍યારે એક બાળ કિશોર કાયદાના સંઘર્ષમાં આવેલ છે.આ મામલે ભારતીય ન્‍યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૩૭(૨), ૮૭ અને ૫૪, ગુજરાત ધર્મ સ્‍વાતંત્ર્ય (સંશોધન) અધિનિયમ-૨૦૨૧ની કલમ ૪(૧), POCSO અધિનિયમની કલમ ૧૭ અને ૧૮ તથા એટ્રોસિટી અધિનિયમની કલમ ૩(૨)(૫) હેઠળ ગુનો નોંધવામાં આવ્‍યો છે.આ સંવેદનશીલ પ્રકરણની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને રાજ્‍યના ગળહમંત્રી તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાએ સમગ્ર મામલે સીધી માહિતી મેળવી છે. ગુનાની દરેક કડીની ઊંડાણપૂર્વક તપાસ થાય અને અન્‍ય સંભવિત સંડોવાયેલાઓની ભૂમિકા બહાર આવે તે માટે DYSP ચૌધરીના વડપણ હેઠળ SITની રચના કરવામાં આવી છે. આ ટીમમાં કોડીનાર પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એન.વી. હરિયાણી અને PSI વાઘેલાનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.

પોલીસે પ્રાથમિક તપાસ અને એકત્રિત કરાયેલા પુરાવાઓના આધારે ત્રણેય પુખ્‍ત આરોપીઓને ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટમાં રજૂ કર્યા હતા. તપાસમાં વધુ વિગતો મેળવવા અને સમગ્ર ઘટનાક્રમની કડીઓ જોડવા પોલીસે ૧૪ દિવસના રિમાન્‍ડની માંગણી કરી હતી. સરકારી વકીલ કેતનસિંહ વાળાએ આપેલી માહિતી મુજબ, કોર્ટમાં બંને પક્ષોની રજૂઆતો બાદ નામદાર ડિસ્‍ટ્રિક્‍ટ કોર્ટે ત્રણેય આરોપીઓના પાંચ દિવસના પોલીસ રિમાન્‍ડ મંજૂર કર્યા છે.હવે આગામી પાંચ દિવસ દરમિયાન પોલીસ અને SIT દ્વારા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવશે. સગીરાઓને કોડીનારથી ઉનાવા લઈ જવા પાછળ કોની શું ભૂમિકા હતી, તેમને બુરખો પહેરાવવા અને મજારો તથા ધાર્મિક સ્‍થળોએ લઈ જવા પાછળનો હેતુ શું હતો, ધર્મ પરિવર્તન માટે દબાણ અને બ્રેઇનવોશ કરવામાં અન્‍ય કોઈ વ્‍યક્‍તિની ભૂમિકા હતી કે કેમ તથા એક સગીરાના લગ્ન કરાવવાની પેરવી પાછળ કોણ કોણ સંડોવાયેલું હતું, તે સહિતના અનેક સવાલોના જવાબ મેળવવા પોલીસ તપાસ કરશે.બે સગીરાઓ ગુમ થયાની ફરિયાદથી શરૂ થયેલી તપાસ હવે SIT સુધી પહોંચી છે.

ત્રણેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્‍ડ દરમિયાન પોલીસને કઈ નવી કડીઓ મળે છે અને આ પ્રકરણમાં અન્‍ય કોઈ સંડોવાયેલાઓનાં નામ સામે આવે છે કે કેમ તે આગામી દિવસોમાં સ્‍પષ્ટ થશે.(

(1:26 PM IST)