તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
માળીયા હાટીનાના સરકડીયામાં વાછરડાએ છાતીમાં પગ મુકી દેતાં છ વર્ષના બાળકનું મોત
માસુમ ઋત્વીક પાદરકાએ સારવાર દરમિયાન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દમ તોડયોઃ એકના એક દિકરાના મૃત્યુને પગલે પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૧: રખડતા પશુઓ ઘણીવાર રાહદારીઓ, વાહન ચાલકો માટે કે પછી શેરી મહોલ્લામાં રમતાં બાળકો માટે જોખમી બની જતાં હોય છે. આવી જ એક ઘટનામાં ઘર પાસે રહી રહેલા બાળકનું વાછરડાએ છાતીમાં પગ મુકી દેતાં ગંભીર ઇજા થવાથી મોત થયું છે. જુનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાબેના સરકડીયા ગામમાં આ બનાવ બન્યો છે. છ વર્ષના બાળકનું રાજકોટ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ સરકડીયા ગામે રહેતાં જગદીશભાઇ પાદરકાનો દિકરો ઋત્વીક (ઉ.વ.૬) ગત ૨૩/૬ના રોજ સાંજે સાતેક વાગ્યે ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે વાછરડાએ તેને પછાડી દઇ છાતી પર પગ મુકી દેતાં ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહિ સારવાર દરમિયાન મોડી રાતે તેનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી માળીયા હાટીના પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ઋત્વીક એક બહેનથી મોટો હતો અને હાલમાં જ પહેલા ધોરણમાં ભણવા બેસાડયો હતો. તેના પિતા છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. લાડકવાયાના મોતથી માતા-પિતા સહિતના સ્વજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
