તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
'વોટ નહીં બચે તો દેશ નહીં બચે' ના નારા સાથે કોંગ્રેસનું 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન: જામનગરમાં AICC ઓબ્ઝર્વર ડો. વિજયલક્ષ્મી સાધોએ ચૂંટણી પંચની કામગીરી સામે ઉઠાવ્યા સવાલો : જુઓ વિડિયો
સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી મતાધિકારના રક્ષણનો મુદ્દો ઉઠાવ્યો, રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી પ્રક્રિયા અંગે ઉઠાવાયેલા સવાલોનો કર્યો ઉલ્લેખ, યુવાનોને લોકશાહીના રક્ષણ માટે સજાગ રહેવા કર્યું આહ્વાન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.25 : લોકશાહી અને બંધારણના રક્ષણ માટે કોંગ્રેસ અને INDIA ગઠબંધન દ્વારા દેશભરમાં 'વોટ બચાવો, દેશ બચાવો' અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજે જામનગરના સર્કિટ હાઉસ ખાતે એક મહત્વપૂર્ણ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પત્રકાર પરિષદમાં AICC ઓબ્ઝર્વર અને પૂર્વ મંત્રી ડો. વિજયલક્ષ્મી સાધોએ ચૂંટણી પ્રક્રિયા અને ચૂંટણી પંચની કામગીરી અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે મતાધિકાર એ દરેક નાગરિકનો બંધારણીય હક છે અને જો વોટ નહીં બચે તો દેશ પણ નહીં બચે.
ડો. સાધોએ જણાવ્યું હતું કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા સતત ચૂંટણી પ્રક્રિયામાં થતી ગેરરીતિઓ અને મતદાર યાદીમાં થતી છેડછાડ અંગે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે કામ કરતું નથી અને ભાજપના ઈશારે કામ કરી રહ્યું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, લોકશાહીની મજબૂતી માટે દરેક વોટનું રક્ષણ જરૂરી છે. મતદાર યાદીમાંથી નામ કમી કરવા, બોગસ વોટિંગ અને EVM અંગે લોકોમાં અનેક શંકાઓ છે, જેનું નિરાકરણ ચૂંટણી પંચે કરવું જોઈએ.
પત્રકાર પરિષદ દરમિયાન ડો. સાધોએ ખાસ કરીને યુવાનોને અપીલ કરી હતી કે તેઓ પોતાના મતાધિકાર પ્રત્યે જાગૃત રહે, મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસે અને લોકશાહી તથા બંધારણના મૂલ્યોના રક્ષણ માટે સક્રિય નાગરિક તરીકેની ભૂમિકા નિભાવે.
આ પ્રસંગે જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા આ અભિયાનને ઘરે ઘરે પહોંચાડવા માટે ડોર ટુ ડોર સંપર્ક અને જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.
(2:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
