<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

કચ્છના ભીમાસરમાં SMC નો દરોડો રૂ. ૬૩ લાખના દારૂ-બિયરનો જથ્થો ઝડપાતા પોલીસ બેડામાં ખળભળાટ

SMCના દરોડા બાદ આડેસર PI જે.બી. આચાર્ય લીવ રિઝર્વમાં મુકાયા, પૂર્વ કચ્છ LCBના PI જે.એમ. વાળાની પણ બદલી

રાજકોટ તા.૧૬ :  પૂર્વ કચ્છના રાપર તાલુકાના ભીમાસર ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ પાડેલા દરોડામાં રૂ. 63 લાખથી વધુનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાતાં પોલીસ વિભાગમાં ભારે ખળભળાટ મચ્યો છે. આ કાર્યવાહી બાદ આડેસર પોલીસ સ્ટેશનના PI જે.બી. આચાર્યને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ કચ્છ LCBના PI જે.એમ. વાળાની પણ બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિકની સૂચનાથી SMCના PSI કે.ડી. રવિયા અને તેમની ટીમે ભીમાસર ગામમાં પૃથ્વીરાજસિંહના બંધ મકાન તથા દુકાનમાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 604 પેટીઓ, એટલે કે અંદાજે 23,729 બોટલ મળી આવી હતી.

પોલીસે રૂ. 62,95,061ની કિંમતનો દારૂ-બિયર, મોબાઇલ ફોન અને રોકડ સહિત કુલ રૂ. 63,08,761નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાર્યવાહી દરમિયાન રામદેવસિંહ દિલુભા વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે હરદેવસિંહ દિલુભા વાઘેલા, એક અજાણ્યા શખ્સ અને અન્ય એક વ્યક્તિ સહિત ત્રણ સામે કાર્યવાહી હાથ ધરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ મામલે આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધાયો છે.

દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ ચાલી રહી છે. સાથે જ સ્થાનિક પોલીસની કામગીરી અને સંભવિત બેદરકારી અંગે પણ સવાલો ઊભા થયા છે. આડેસર PIને લીવ રિઝર્વમાં મૂકવા અને LCB PIની બદલીના પગલાંને પગલે પોલીસ તંત્રમાં ચર્ચા તેજ બની છે.

કચ્છમાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે SMCની આ પ્રકારની કાર્યવાહી અગાઉ પણ સામે આવી છે. તાજેતરના દરોડાઓને પગલે સ્થાનિક પોલીસની દેખરેખ અને કામગીરી અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

(9:46 AM IST)